• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

જંગલ સાથે ચેડા બંધ થવા જોઈએ

ગુજરાતના જંગલોમાં 891 સિંહ ઉપરાંત પ્રાણી, પક્ષીઓની વૈવિધ્યસભર પ્રજાતિઓ સુરક્ષિત છે તેવા સરકારી અહેવાલ થોડા સમય પૂર્વે વહેતા થયા હતા. તે પહેલાં સરકારે એવું જાહેર કર્યું હતું કે અહીં હવે વાઘનો વસવાટ પણ શક્ય છે કારણ કે દાહોદ પાસે એક વાઘ ભ્રમણ કરી રહ્યો છે. અહીં સિંહ, દીપડો અને વાઘ સાથે રહી શકશે. ગિરનું સંવર્ધન, બરડામાં સિંહનો વસવાટ સહિતની સાફલ્યગાથા માટે નકાર નથી. સામે છેડે કેટલીક વાસ્તવિકતાઓ પણ છે જેના ઉપર ધ્યાન અપાવું જોઈએ. જંગલની અંદર હોટલ-રીસોર્ટ, ફાર્મહાઉસનો ખડકલો થઈ રહ્યો છે. સિંહને પસાર થવાના માર્ગમાં થયેલાં બાંધકામ સમસ્યા સર્જી રહ્યા છે છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી.

ગિરનું જંગલ પ્રવાસન સ્થળ ઓછું અને પ્રકૃતિધામ વધારે છે તેવો પાયાનો ખ્યાલ વિસરાઈ રહ્યો છે. જંગલની અંદર વધતી જતી પ્રવૃત્તિ, પ્રવાસનને લીધે વાહનો થકી ફેલાતું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં લેવાય તે જરૂરી છે. હવે મુદ્દો ઉઠયો છે, ગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતો માર્ગ પહોળો કરવાનો. જૂનાગઢથી સાસણ સુધીનો રાજ્ય ધોરી માર્ગ નં. 26 પહોળો કરવાની દરખાસ્ત છે. ખડિયાથી સાસણ સુધીનો આ રસ્તો જો પહોળો થશે તો સિંહ તથા અન્ય પ્રાણીઓ ઉપર જોખમ વધશે તેવું તજજ્ઞો કહે છે. રસ્તો પહોળો થાય તો વાહનોની અવરજવર અને ગતિ બન્ને વધે. વનવિસ્તારમાં ગતિનિયંત્રણ છે પરંતુ તેનો અમલ નથી થતો. પહોળો રસ્તો વધારે જોખમી બનશે.

અહીં માર્ગ પહોળો કરવા માટે કેટલીક જમીનની ફેરબદલ વિવિધ વિભાગો વચ્ચે થશે. તેના કરતાં પણ ગંભીર બાબત એ છે કે જંગલ વિસ્તારમાં રસ્તાના સમારકામ જેવી બાબત હોય તો પણ સ્ટેટ વાઈલ્ડલાઈફ બોર્ડની મંજૂરી લેવાની રહે છે. આ કિસ્સામાં રસ્તો પહોળો કરવાનો હોવા છતાં આવી મંજૂરી નથી લેવાઈ તેવું વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સદસ્ય ભૂષણ પંડયાએ માધ્યમોને કહ્યું, તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. ગિરના જંગલના સંવર્ધન માટે વનવિભાગના પ્રયાસો નોંધપાત્ર છે. છતાં પર્યાવરણની જાળવણી માટે હજી ગંભીરતાની જરૂર છે. સિંહોનું શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડવું, માનવબાળના શિકાર કરવા જેવી ઘટનાઓ વધી રહી છે. વન વિસ્તારમા માણસ જેટલો વધારે ઘૂસશે તેટલા પ્રાણીઓ પણ માણસના વિસ્તારમાં ઘૂસશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક