ગોવાની
એક નાઈટ ક્લબમાં થયેલી દુર્ઘટનામાં 25 વ્યક્તિના થયેલાં મૃત્યુ આપણા દેશની સાર્વજનિક
સુરક્ષા વ્યવસ્થાની ક્ષતિ, આવા સ્થળના માલિકોનું મનસ્વીપણું, તેમના દ્વારા થતી કાયદાની
ઉપેક્ષા છતી કરે છે. સાથે જ પ્રજાની જાગૃતિનો અભાવ પણ આ બનાવથી વધુ એક વાર બહાર આવ્યો
છે. દુ:ખની વાત તો એ છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોવા છતાં તેમાંથી કંઈ શિખ
મેળવવાની વૃત્તિ ક્યાંય જોવા મળતી નથી. ગોવાની નાઈટક્લબમાં નિયમોનું ઉલ્લંઘન હતું સાથે
જ અગ્નિશમનના કાનૂનનું પાલન પણ થયું નહોતું. ધરતીકંપ કે ત્સુનામી જેવી આ કોઈ કુદરતી
દુર્ઘટના નહોતી સંપૂર્ણપણે માનવીય ભૂલ-બેદરકારીનું પરિણામ છે.
બનાવ
બન્યો છે ગોવામાં પરંતુ આખા દેશમાં તેની ચર્ચા છે કારણ કે કોઈને કોઈ પ્રાંતમાં, શહેરમાં
આવી ઘટનાઓ બનતી રહે છે. જો વાવાઝોડું, ભૂસ્ખલન જેવી બાબત હોય તો તેને ‘એક્ટ ઓફ ગોડ’ કહી શકાય પરંતુ ગોવામાં નાઈટ ક્લબમાં લાગેલી આગ,
દક્ષિણમાં ક્રિકેટર્સને આવકારવા એકઠી થયેલી ભીડ કે પછી ફિલ્મીનટ-નેતાને જોવા એકત્ર
થયેલા લોકો કે કોઈ મંદિરમાં થતી ભીડને લીધે થતી દુર્ઘટના કદાચ પ્રશાસનના સુદૃઢ આયોજન
અને લોકોની સમજના સમન્વયથી નિવારી શકાય. જ્યારે જ્યારે આવું કંઈ બને ત્યારે તંત્ર જાગે,
ફરિયાદ થાય, ‘એસઆઈટી ’ બને, થોડો સમય તપાસ ચાલે અને પછી બધું થાળે પડી જાય. આ કંઈ નવું
નથી.
‘નવા
નાકે દિવાળી’ એવી એક કહેવત છે તે અહીં સૌ કોઇને સુસંગત છે. ગોવાની નાઈટ ક્લબમાં ભીષણ
આગ લાગી, આનંદ-મોજ મોજાનું સ્થળ ક્ષણવારમાં લાક્ષાગૃહ બની ગયું, 25 વ્યક્તિનાં મૃત્યુ
થયા. ઘટના પછીના અહેવાલ કહે છે અગ્નિશમનના સાધનો ત્યાં પૂરતાં અને યોગ્ય નહોતા. આવવા-જવાનો
રસ્તો એટલો સાંકડો હતો કે સામાન્ય સંજોગોમાં પણ ભીડ થાય. બચવા માટે લોકો જ્યાંથી નીકળ્યા
તે રસ્તે જ અનેક લોકો ફસાયા હતા. આવું કોઈ પણ સ્થળ હોય તેને મંજૂરી આપતાં પહેલાં તંત્ર
તેની ચકાસણી કરે તેવા સ્પષ્ટ નિયમ છે. અગ્નિશમન માટેની વ્યવસ્થા, બાંધકામના કાયદા સહિતની
ચકાસણી જરૂરી છે પરંતુ આવું કંઈ થતું નથી. દુર્ઘટનાઓ ઘટતી રહે છે. પોલીસ આરોપીની ધરપકડ
કરે, સ્થાનિક કે રાજ્યસ્તરના નેતાઓ પ્રતિક્રિયા આપે. કોઈને છોડાશે નહીં તેવી ચીમકી
ઉચ્ચારાય અને બસ બધું પૂરું. ગુજરાતમાં મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં પણ એવું થયું,
રાજકોટના ટીઆરપી કાંડમાં પણ એવું થયું. સુરતમાં લાગેલી આગ, રાજકોટમાં સિટી બસે વાહનચાલકોને
અડફેટે લીધા તે તમામ દુર્ઘટનામાં પરિણામ આવ્યાં નથી. દુર્ઘટના થાય ત્યાં સુધી કોઈ પગલાં
ન લેવાય તેનો અર્થ એ કે સંબંધિત વિભાગના અહીં આંખ મીંચામણા છે. આ વિભાગના અધિકારીઓ,
તંત્રવાહકો સામે દૃષ્ટાંતરૂપ પગલાં ક્યારેય લેવાતાં નથી. ગોવાની ઘટના પછી તો તેના આરોપીઓ
થાઈલેન્ડ નાસી ગયા ત્યાં સુધી કોઈને કંઈ ન થયું, કેટલી તેમની ક્ષમતા હશે અને કેટલું
ખોખલું નેટવર્ક હશે આ પ્રશાસનનું ?
સાર્વજનિક
સ્થળ ઉપર આગ લાગી હોય અને આટલી મોટી સંખ્યામાં માણસોના મૃત્યુ થયાં હોય તેવો આ પહેલો
બનાવ નથી. આવું વારંવાર બને છે. સંચાલકો-માલિકો રાજકીય વગ કે આર્થિક તાકાતના સહારે
છૂટી જાય છે. તંત્ર પણ કશું નહીં થાય તેમ માનીને વર્તે છે. આપણે ત્યાં પ્રજામાં તો
એટલી જાગૃતિ છે જ નહીં કે આવા કોઈ સ્થળે જાય તો તે સલામતીની ચકાસણી કરીને, નિયમ પાલન
થયું છે કે નહીં તે જોઈને જાય. વાસ્તવમાં થવું તો એ જોઈએ કે જ્યાં નિયમનું પાલન ન હોય
તેવી હોટલ, રેસ્ટોરન્ટ, ટયુશન ક્લાસમાં જવાનું જ બંધ. અસહકાર આંદોલન 1920માં જ થાય
તેવું નથી, પ્રજા સશક્ત હોય તો 2025માં પણ થઈ શકે અને તો પછી કોઈ તંત્રની જરૂર ન પડે
પરંતુ જે અહીં આગળ લખ્યું તે જરૂરી છે- પ્રજા સશક્ત હોય તો.