નવી દિલ્હી, તા. 12 : સુપ્રીમ કોર્ટે તમામ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોને યુએપીએ અને તેના જેવા અન્ય કાયદાના પેન્ડિંગ મામલાની સમીક્ષા કરવા કહ્યું છે તેમજ એવા તમામ કેસની સમીક્ષા કરવા કહેવાયું છે જેમાં આરોપીને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પુરાવા આપવાના હોય છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની પીઠે રાજ્યોમાં કાર્યરત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો કે આવા મુકદ્માના આરોપીઓને તેમના અધિકારથી અવગત કરાવવામાં આવે. આરોપિઓને બતાવવામાં આવે કે તેઓને પેરવી માટે અધિવક્તાની સેવા લેવાનો અધિકાર છે. તેનાથી આરોપીને ન્યાય મળી શકશે અને કેસની ન્યાયાલયમાં ઝડપથી સુનાવણી થઈ શકશે. આ ઉપરાંત પેન્ડિંગ કેસની સંખ્યા પણ ઘટશે. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, યુએપીએ અને તેના જેવા અન્ય કાયદામાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પુરાવા આપવાની જવાબદારી આરોપીની હોય છે. આવા કેસની સુનાવણીની ગતિ વધારવામાં આવે.