• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

મુખ્ય ન્યાયમૂર્તિની લાગણી

ભારત જેવા મજબૂત લોકશાહી દેશમાં અદાલતી ન્યાયની આડેના ગ્રહણનો મુદ્દો આજકાલનો નથી.  લોકશાહીના મજબૂત સ્તંભ સમાન ન્યાયતંત્રની આ નબળાઈ સૌ સમજે છે, પણ કમનસીબે તેનો કોઈ ઉકેલ મળતો નથી. આ વખતે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સામાન્ય માનવી માટે છે, તેમની પ્રથમ પ્રાથમિક્તા લંબાતા જતા કેસોના ઉકેલ અને અદાલતી ખર્ચ ઘટાડવાની છે. નવા મુખ્ય ન્યાયાધીશની આ લાગણી આવકારવા યોગ્ય છે,  પણ આવી વાત પ્રથમ વખત થઈ હોય એવું નથી.  આ અગાઉ પણ સંખ્યાબંધ ન્યાયમૂર્તિઓ આવી વાત કરી ચૂક્યા છે, પણ તેમની લાગણીઓ ફળીભૂત થતી જણાઈ નથી. 

એક કડવું સત્ય છે કે, દેશમાં ન્યાય મુશ્કેલ અને મોંઘો બની ગયો છે.  તેમાં પણ સર્વોચ્ચ અદાલત તો જાણે સમાન્ય નાગરિકો માટે હોય જ નહીં એવો તાલ સર્જાયો છે.  વકીલોની તોતિંગ ફી અને તારીખોની માયાજાળમાં સમાન્ય નાગરિક માટે શક્ય નથી કે તે પોતાનો કેસ સુપ્રીમ કોર્ટ પાસે લઈ જાય.  ક્યાંક તે આમ કરવાની હિંમત કરે તો પણ તેને ન્યાય મળવાની કોઈ ગેરન્ટી જ નથી.  આજે નીચલી કોર્ટોની સરખામણીએ સર્વોચ્ચ અદાલતોમાં લાંબા સમયથી અટવાયેલા કેસોની સંખ્યા દિવસોદિવસ વધી રહી છે.  આવામાં મોટા ધારાશાત્રીઓના કેસ સરળતાથી કઈ રીતે ચાલી શકે છે એ કોઈ જાણતું નથી.  હવે ફરી એક વખત મુખ્ય ન્યાયમૂર્તિએ વણઉકેલ ખટલાનો બોજો ઘટાડવા અને કેસ લડવાના ખર્ચને ઓછો કરવાનો ભરોસો દેશને આપ્યો છે, પણ આ ભરોસો ક્યારે અને કઈ રીતે ફળીભૂત થશે તે તેઓ પણ કહી શકે તેમ ન હોવાનો તાલ સર્જાયો છે. 

હવે જ્યારે વધુ એક વખત આ વાત થઈ છે ત્યારે મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ હજી હમણા શરૂ થયો એટલે તેમણે તેમની લાગણીને ફળીભૂત કરવા ન્યાયિક સુધારા પર ધ્યાન આપવાનો પૂરતો સમય છે.  આજે દેશના વિકાસની સાથે તાલ મિલાવી શકે એવા સુગમ ન્યાયતંત્રની તાતી જરૂરત છે.  સમયસર ન્યાય મળતો થાય તો વિવાદનો ઉકેલ આવી શકે અને વિકાસની આડેના અંતરાય દૂર થઈ શકે.  ખરેખર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત આવી નિખાલસ કબૂલાત બાદ હવે તેના ઉકેલ માટેનો ઉપાય પણ અમલી બનાવે એવી અપેક્ષા રાખવી રહી.

 

ઇ-પેપરના નવા શુલ્ક