• શનિવાર, 04 મે, 2024

રાજકોટમાં ‘જય ભવાની’ના જયઘોષ સાથે ક્ષત્રિય સમાજે ‘ધર્મરથ’નું પ્રસ્થાન કરાવ્યું!

-પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાનાં મંદિરે રથનું વિધિવત્ પૂજન કરાયું : ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના ઉદ્દેશ્ય સાથે 200 ગામડાંમાં ધર્મરથ ફરશે

રાજકોટ, તા.24 : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ આજદિન સુધી યથાવત્ છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તાજેતરમાં રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું છતાં ભાજપે ટિકિટ રદ ન કરતાં હવે આ આંદોલન બીજા તબક્કામાં પહોંચ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ધર્મયુદ્ધ-કર્મયુદ્ધની લડત સાથે અત્રેના પેલેસ રોડ સ્થિત મા આશાપુરા માતાનાં મંદિરેથી જય ભવાની-જય રાજપૂતાના નાદ સાથે નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ ધર્મરથ રાજકોટ સહિત જિલ્લાભરનાં તાલુકા-ગામડે ગામડે ફરી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને કારમી હાર આપવા સર્વે સમાજને આહ્વાન કરશે. આજરોજ પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાનાં મંદિરેથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સંકલન સમિતિના પી. ટી. જાડેજા સહિતના આગેવાનો ભાઈ-બહેનોએ ક્ષત્રિય અસ્મિતા રથનું શાત્રોક્ત રીતે પૂજન-અર્ચન કર્યા બાદ રથનું વિધિવત્ પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના કુલ 7 ધર્મરથનું પરિભ્રમણ થશે. જેમાં વિખ્યાત અંબાજી મંદિર, કચ્છ માતાના મઢ, ગુજરાતમાં બહુચરાજી, રાજકોટમાં આશાપુરા મંદિર સહિત 7 સ્થળેથી આજથી ધર્મરથનો પ્રારંભ થયો છે. રાજકોટમાંથી પ્રસ્થાન કર્યા બાદ ધર્મરથ કુવાડવા, ખેરવા, વાંકાનેર, મોરબી સહિતનાં સ્થળોએ ફરશે જેમાં તમામ તાલુકા અને 200 જેટલાં ગામડાઓનો સમાવેશ થાય છે. તાલુકા મથકોએ રથ યાત્રા દરમિયાન સંમેલન યોજી સર્વે સમાજનું સમર્થન મેળવવામાં આવશે. ગામડે-ગામડે રથનું સ્વાગત કરાશે.

આજે શહેરનાં આશાપુરા મંદિર ખાતે સવારે જય ભવાની, જય રાજપૂતાના, ક્ષત્રિય એકતા ઝીંદાબાદ, વંદે માતરમના જયઘોષ સાથે ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. લોકશાહી ઢબે, કાયદાના ઉલ્લંઘન વગર શાંતિપૂર્ણ રીતે ભાજપ વિરુદ્ધ મતદાન માટે આ ધર્મયુદ્ધ છેડવામાં આવી રહ્યું હોવાનું પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું.

બીજી તરફ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા પણ ગામડે-ગામડે પ્રતીક ઉપવાસ કરીને આ ધર્મયુદ્ધને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આજે ધર્મરથમાં જોડાયેલા લોકોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે સૌપ્રથમ અન્નત્યાગ ઉપર ઉતરેલાં પદ્મિનીબા વાળા આજે દેખાયાં ન હતાં. બીજી તરફ કોંગેસનાં નેતા નયનાબા જાડેજાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક