• શનિવાર, 18 મે, 2024

પ્લેઓફની આશા જીવંત રાખવા બેંગ્લુરુ-ગુજરાત વચ્ચે આજે ડૂ ઓર ડાઇ મેચ

બેંગ્લુરુ, તા.3 : સમીકરણોના આધાર પર હજુ પણ પ્લેઓફની દોડમાં બની રહેલી તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લથડયા ખાતી ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે રહીસહી આશા જીવંત રાખવા માટે શનિવારના મેચમાં કરો યા મરો સમાન મુકાબલો થશે. આરસીબીના ખાતામાં 10 મેચમાં ફક્ત 3 જીતથી 6 પોઇન્ટ છે અને અંતિમ સ્થાને છે. જ્યારે ગુજરાતના ખાતામાં 10 મેચમાં 8 અંક છે અને આઠમા સ્થાન પર છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને તેમના પાછલા મેચમાં હાર મળી છે. આ બન્ને ટીમ પાસે 10-10 અંક છે. આ બે ટીમની હારથી આરસીબી અને જીટીની આશા જીવંત રહી છે. બન્ને ટીમને બખૂબી ખબર છે કે બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેવા કરતા ખુદ પોતાના અભિયાનને આગળ વધારે. આ માટે બન્ને ટીમે ઓલરાઉન્ડ દેખાવ કરવો પડશે.

આરસીબી માટે સકારાત્મક વાત એ છે કે આ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ટીમનો સિતારા બેટધર વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને પ00 રન કરી ચૂક્યો છે. આરસીબી કેપ્ટન ફાક ડૂ પ્લેસિસ પણ સારા ફોર્મમાં છે. આરસીબી માટે વિલ જેકસ સંકટમોચક બની આવ્યો છે. તેણે પાછલા મેચમાં આતશી સદી ફટકારી હતી. ટીમને તેની પાસેથી વધુ એક વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. આરસીબીની કમજોર કડી તેની બોલિંગ છે. વર્લ્ડ કપમાં પસંદ થયેલ સિરાજ સહિતના કોઇ બોલર પ્રભાવ છોડી રહ્યા નથી.

ગુજરાત ટાઇટન્સ માટે તેના કપ્તાન શુભમન ગિલે વર્લ્ડ કપ ટીમમાં પસંદ ન થયાનો ગમ ભુલીને આક્રમક ઇનિંગ રમવી પડશે. તે અને સાઇ સુદર્શન મળી કુલ 700થી વધુ રન કરી ચૂક્યા છે. આ બે બેટર ગુજરાતની બેટિંગ હરોળના કરોડરજ્જૂ સમાન છે. ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, રિદ્ધમાન સાહા કે શાહરૂખ ખાન તેમની ખ્યાતિ અનુસાર પ્રદર્શન કરી શકયા નથી. અનુભવી બોલર ઉમેશ યાદવ અને મોહિત શર્મા પણ મોંઘા પડી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક