• શનિવાર, 18 મે, 2024

ગાંધી પરિવારનું ચૂંટણી સમીકરણ વાયનાડ + રાયબરેલી - અમેઠી = રાહુલ  

અટકળોનો અંત : સોનિયા, પ્રિયંકા, ખડગેની હાજરીમાં રાહુલે નોંધાવી ઉમેદવારી : સ્મૃતિએ કહ્યું, ચૂંટણી પહેલા જ અમેઠીમાં કોંગ્રેસે હાર માની લીધી : અમેઠીમાં કોંગ્રેસે કે.એલ.શર્માને ઉમેદવાર બનાવ્યા

 

નવી દિલ્હી, તા.3 : અંતે અમેઠી અને રાયબરેલીની બેઠકનાં ઉમેદવારનાં રહસ્ય ઉપરથી કોંગ્રેસે આજે પડદો ઊચકી નાખ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીની  પરંપરાગત બેઠક ઉપરથી હારી જનાર કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ આ વખતે પોતાનાં માતા અને કોંગ્રેસનાં મોભી સોનિયા ગાંધીનાં મતક્ષેત્ર રાયબરેલીની બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી દીધી છે. આમ રાહુલ ગત લોકસભા ચૂંટણીની માફક જ આ વખતે પણ બે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે અમેઠીની બેઠક ઉપરથી આ વખતે ગાંધી પરિવારનાં કોઈપણ સદસ્ય લડી રહ્યાં નથી. 

કોંગ્રેસે અહીંથી સોનિયા ગાંધીનાં પ્રતિનિધિ રહેલા કે.એલ.શર્માને ઉમેદવાર બનાવ્યા છે અને તેમણે પણ આજે ઉમેદવારી દાખલ કરી દીધી હતી. એટલે કે અમેઠીમાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણીનાં મેદાનમાં ઉતરે તેવી અટકળો અને ચર્ચા ઉપર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

છેલ્લી ઘડી સુધી ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક ઉપરથી ઉમેદવારી બારામાં કોંગ્રેસ અસમંજસમાં હતો. જેમાં આજે અચાનક જ રાહુલે રાયબરેલીની ઉમેદવારી નોંધાવતા આ હંમેશાંથી ચર્ચાનાં કેન્દ્રમાં રહેતી આવેલી આ બેઠક ઉપર દેશનું ધ્યાન કેન્દ્રિત થઈ ગઈ છે. આ બેઠકને વીઆઈપી સીટ પણ કહેવામાં આવે છે. જ્યાથી પહેલી બે સામાન્ય ચૂંટણીમાં રાહુલનાં દાદા ફિરોઝ ગાંધી ચૂંટણી જીત્યા હતાં. આ મતક્ષેત્રમાં ફિરોઝ ગાંધી નાખવામાં આવેલો મજબૂત પાયો તેમનાં પત્ની અને રાહુલનાં દાદી ઈન્દિરા ગાંધીએ વધુ સુદૃઢ બનાવ્યો હતો. રાયબરેલીમાંથી તેઓ 1967, 1971 અને 1980માં ચૂંટણી જીતેલા. જ્યારે 2004થી 2014 સુધી રાહુલનાં માતા સોનિયા ગાંધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યા છે. આ વખતે તેઓ રાજ્યસભામાંથી સાંસદ ચૂંટાઈ આવતા આ બેઠક ઉપર નવા ઉમેદવારની પસંદગી કરવાની ફરજ કોંગ્રેસને પડી હતી.

રાહુલ ગાંધી ગત લોકસભા ચૂંટણીની માફક આ વખતે પણ બે લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલે 2004થી ત્રણ વખત અમેઠીમાંથી લોકસભાની સદસ્યતા જીતી હતી. જ્યારે 2019માં તેઓ ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાની સામે ત્યાંથી ચૂંટણી હારી ગયા હતાં. વર્તમાનમાં રાહુલ કરેળનાં વાયનાડની બેઠક ઉપરથી લોકસભા સાંસદ છે. આ વખતે પણ રાહુલે વાડનાડમાંથી ચૂંટણી લડેલી છે અને હવે કોંગ્રેસ તેમને રાયબરેલીમાંથી પણ ચૂંટણીમાં ઉતારી દીધા છે.

ઉમેદવારી નોંધાવ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમનાં માટે આ ઘડી ભાવુક પળો હતો. મારી માતાએ મને બહુ ભરોસા સાથે પરિવારની કર્મભૂમિ સોંપી છે. આ સાથે જ રાહુલે લોકોને બંધારણ અને લોકતંત્ર બચાવવાની લડાઈમાં પોતાની સાથે ઉભા થવા અપીલ પણ કરી હતી.

રાહુલે આજે રાયબરેલી અને શર્માએ આજે અમેઠીમાંથી પોતાનાં નામાંકન પત્ર દાખલ કરી દીધા હતાં. આ બન્ને બેઠક ઉપર પાંચમા તબક્કાની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. જેનાં માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો. રાહુલ આજે નામાંકન નોંધાવતા પહેલા પોતાનાં માતા સોનિયા, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને બનેવી રોબર્ટ વાડ્રા સાથે અમેઠીનાં ફુરસતગંજ એરપોર્ટ પહોંચ્યા હતાં. તેમની સાથે રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હતાં. રાહુલની ઉમેદવારી નોંધણી માટે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો અને પક્ષનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાયબરેલી ગયા હતાં અને તેમની ઉપસ્થિતિમાં જ રાહુલે ઉમેદવારી દાખલ કરી હતી.

અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ શર્માએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અમેઠીમાંથી ક્યાંય ગયો નથી. કોંગ્રેસનાં કાર્યકરો અહીં સતત કાર્યરત હતાં. આ વખતે કોંગ્રેસ નહીં પણ કોંગ્રેસ વતી જનતા ચૂંટણી લડી રહી છે. એટલે તેમને જીતનો વિશ્વાસ છે. બીજીબાજુ સ્મૃતિ ઈરાનીએ રાયબરેલીમાંથી રાહુલે ઉમેદવારી નોંધાવ્યા મુદ્દે કટાક્ષ કરતા કહ્યું હતું કે, અમેઠીમાંથી તો કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર માની લીધી છે. અમેઠીમાંથી ગાંધી પરિવારે ઉમેદવારી ન નોંધાવી તે આ પરાજયને સ્પષ્ટ કરી જાય છે. જો જીતની કોઈ ગુંજાશ હોત તો રાહુલે અમેઠીમાંથી જ ચૂંટણી લડી હોત.

અમેઠીની બેઠક ઉપરથી ગાંધી પરિવાર સીવાયનાં ઉમેદવાર અને સોનિયા ગાંધીની બેઠક ઉપરથી રાહુલની ઉમેદવારી મુદ્દે ભાજપ તરફથી ચલાવવામાં આવેલા આક્રમણ સામે પક્ષનાં ફેંસલાનો બચાવ કરતાં કોંગ્રેસ મીડિયા સેલનાં પ્રમુખ જયરામ રમેશે એક્સ ઉપર ટ્વિટ કર્યુ હતું કે, રાયબરેલીમાંથી રાહુલનાં ચૂંટણી લડવા અંગે અનેક લોકોનાં વિભિન્ન મત છે પણ રાહુ રાજનીતિ અને શતરંજનાં મંજાયેલા છે. તે સમજી-વિચારીને જ ચાલ ચાલે છે. આવો નિર્ણય પક્ષે બહુ વિચાર-વિમર્શ અને મોટી રણનીતિનાં ભાગરૂપે લીધો છે.

 

મોદીએ રાહુલને કહ્યું : ડરો મત, ભાગો મત !

કોલકતા, તા.3 : ગત લોકસભા ચૂંટણીનાં પરાજય પછી આ વખતે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક છોડી દીધી છે અને પોતાનાં માતા સોનિયા ગાંધીનાં ગઢ રાયબરેલીથી ચૂંટણીનાં મેદાનમાં ઝૂકાવ્યું છે ત્યારે ભાજપે રાહુલ અને સોનિયા ગાંધી ઉપર આક્રમણનો મારો તેજ બનાવી દીધો છે. જેનો મોરચો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે. પશ્ચિમ બંગાળનાં બર્ધમાનમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, મેં પહેલા જ કહી દીધું હતું કે, શહજાદા વાયનાડમાં પણ પરાજયનાં ડરથી પોતાનાં માટે બીજી સુરક્ષિત બેઠકની શોધમાં છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલીની બેઠક પસંદ કરવી પડી છે.   

આ લોકો ફરી-ફરીને લોકોને કહે છે કે, ડરો મત. હું પણ તેમને કહીશ કે ડરો મત, ભાગો મત!

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે પહેલા કરતાં પણ ઓછી બેઠકમાં સમેટાઈ જવાનો છે. હવે દેશ પણ સમજી ગયો છે કે, આ લોકો ચૂંટણી જીતવા માટે નથી લડતા. તે માત્ર દેશને વિભાજિત કરવા માટે ચૂંટણીનાં મેદાનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા સોનિયા ગાંધી ડરીને રાજસ્થાન ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, રાહુલે આ વખતે રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવી છે તે બેઠક ઉપર અત્યાર સુધી સોનિયા ગાંધી ચૂંટાતા રહ્યા છે. આ વખતે તેમણે રાજસ્થાનમાંથી રાજ્યસભાની સદસ્યતા મેળવી લીધી છે. તેથી રાયબરેલીની બેઠક માટે નવા ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે મોટા કોયડા સમાન બની ગઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક