• શનિવાર, 18 મે, 2024

નફાવસૂલીનું વાવાઝોડું : શેર ટોચ ઉપરથી પટકાયા

સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ઉંચાઈએથી 1249 પોઈન્ટ અને નિફ્ટીમાં ઓલટાઈમ હાઈથી 338 પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હી, તા.3 : ચોતરફી વેચવાલી અને નફાવસૂલીનાં કારણે આજે ભારતીય શેરબજાર સર્વકાલીન ઉંચાઈએથી જોરદાર પટકાઈ ગયું હતું. જેમાં આજે સેન્સેક્સ 733 પોઈન્ટ ગબડી ગયો હતો અને નિફ્ટી 172 પોઈન્ટ ઘટીને 22પ00ની નીચે સરકી ગયો હતો. શેરબજારમાં આજે ટોચ ઉપરથી બોલી ગયેલા કડાકામાં રોકાણકારોનાં 2.2પ લાખ કરોડ રૂપિયાની મૂડી ડૂબી ગઈ હતી.

આજે શેર કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી અને પહેલા કલાકમાં નિફ્ટી 22794ની નવી ઉંચાઈને સ્પર્શી ગયો હતો અને આ સર્વકાલીન ઉંચાઈએ તે ટકી શક્યો ન હતો અને આ ઉપલા સ્તરેથી નિફ્ટીમાં 338 પોઈન્ટનું મોટું ભગદાળું પડી ગયું હતું. બીજીબાજુ સેન્સેક્સ કારોબારનાં આરંભે 75 હજારનાં સ્તરને પણ વળોટી ગયો હતો. જો કે ત્યાંથી 1249 પોઈન્ટનો તેમાં કડાકો બોલી ગયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી કંપનીઓની બજાર મૂડી ગઈકાલે ગુરુવારે કારોબારનાં અંતે 408.49 લાખ કરોડ રૂપિયા હતી. જે આજે  ઘટીને 406.24 લાખ કરોડ રૂપિયા થઈ હતી. એટલે કે તેમાં 2.2પ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ આજની મંદીમાં થયું હતું.

નિષ્ણાતોનાં કહેવા અનુસાર આજનાં કડાકાનું મુખ્ય કારણ હેવીવેટ શેરોમાં નફાવસૂલી રહ્યું હતું. જેનાં હિસાબે તમામ શેરઆંક પણ લાલ નિશાનમાં ધકેલાઈ ગયા હતાં. સીએટ ટાયરનાં શેરમાં આજે 4.2 ટકા, જ્યોતિ લેબ્સનાં શેરમાં 3.6 ટકા, રિલાયન્સનાં શેરમાં 3.પ ટકા, એમઆરએફનાં શેરમાં 3 ટકા અને તાતાનાં ટ્રેન્ટ શેરમાં 3 ટકાનાં તોતિંગ ગાબડા પડી ગયા હતાં. આ ઉપરાંત મારુતિ સુઝુકી, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ સહિતનાં શેરોમાં પણ 2 ટકાથી વધુનાં ગાબડાં પડયા હતાં. નફાવસૂલી ઉપરાંત લોકસભા ચૂંટણીનાં બે તબક્કામાં ઓછા થયેલા મતદાનનાં કારણે પણ એક પ્રકારનો ગભરાટ અને ગણગણાટ થવા લાગ્યો છે. જેનાં હિસાબે પણ આજે બજારને ખેલાડીઓએ ઉપલા સ્તરેથી એકવાર નફો અંકે કરી લેવા માટે વેચવાલી માંડી હોવાનું અનુમાન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક