• શનિવાર, 18 મે, 2024

રાજકોટમાં પત્રિકાકાંડ : ભાજપ-કોંગ્રેસની સામસામે આક્ષેપબાજી

ભાજપના નેતાઓ કડવા અને લેઉવા સમાજ વચ્ચે વૈમન્સ્ય ઉભું કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યાં છે : પરેશ ધાનાણી

 

રાજકોટ, તા.3 : લોકસભા ચૂંટણીને હવે આંગળીને વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી બચ્યાં છે ત્યારે ફરી એક વખત રાજકોટનું રાજકારણ ગરમાયું છે. વડોદરાની જેમ રાજકોટમાં પણ પત્રિકાકાંડ સામે આવ્યો છે અને તેમાં લેઉવા અને કડવા પાટીદારો વચ્ચે વૈમન્સ્ય ઉભું થાય તે પ્રકારના મુદ્દાઓના ઉલ્લેખ બાદ પત્રિકા વાયરલ કરનારા લેઉવા પટેલ સમાજના 4 શખસોને પોલીસે પકડી લેતા ભાજપ અને કોંગ્રેસ આ સમગ્ર પ્રકરણમાં એકબીજા ઉપર દોષનો ટોપલો ફેંકી રહ્યાં છે.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પાટીદારો અને ક્ષત્રિયો વિષે વર્ગવિગ્રહ ફેલાવાનો પ્રયાસ કર્યા બાદ હવે ભાજપના નેતાઓ હવે કડવા અને લેઉવા સમાજ વચ્ચે વૈમન્સ્ય ઉભુ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી જ ભાજપની પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે. મોરબી તાલુકાના મારા ચૂંટણી પ્રવાસમાં પાટીદારોના ભરપૂર સમર્થનને લીધે ભાજપના નેતાઓ ભડક્યાં છે અને લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાનું મને લાગી રહ્યું છે.

ધાનાણીએ ઉમેર્યુ હતું કે, રાજકોટ ભાજપના નારાજ નેતાઓ તેમજ દ્વારા પોતાનું નિશાન પાર પાડવા ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૂળ ભાજપના ભડકેલા પેઝ પ્રમુખો પાસે નામ-ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર રચ્યુ છે. વડોદરામાં પણ આ પ્રકારનું પત્રિકાકાંડ સામે આવ્યું હતું પરંતુ ભાજપે તેના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો ન હતો. રાજકોટ પોલીસે આ ઘટનાના મૂળ સુધી જવા હું અપીલ કરું છું. 

પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ આ મુદ્દે જણાવ્યું છે કે, રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તેમજ એડવોકેટ પીનલબેન સાવલિયાએ પણ જણાવ્યું હતું કે, જે પત્રિકા વાયરલ થઈ છે તેને જોતા કોઈ ફરિયાદ થતી નથી છતાં લેઉવા પટેલ સમાજના યુવાનોની ધરપકડ કરવામાં આવી છે

દરમિયાન પત્રિકાકાંડ મુદ્દે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે અને તેની માનસિકતા પણ છતી કરી છે. આ પત્રિકાથી વૈમનસ્ય સર્જવાનો પ્રયાસ કરાયો છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે તેની પાસે હાલ કોઈ મુદ્દા તેમજ નીતિ ન હોવાથી આ પ્રયત્નો કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી પાસે બૂથ લેવલથી લઈને પેજ લેવલ સુધીનું સંગઠન મજબૂત છે. અલગ-અલગ જ્ઞાતિ સમુદાયના રોજ અનેક સ્નેહમિલનો યોજાઈ રહ્યાં છે,મતદારો ભાજપ તરફી મતદાન કરવા ઉત્સુક છે બીજી તરફ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને લોકોનું સમર્થન નથી મળતું ત્યારે અત્યારથી જ  હાર ભાળી ગયેલી કોંગ્રેસ દ્વારા અમારી પાર્ટીને ડેમેજ કરવાનો આ પ્રયાસ છે.

આખરે શું છે આ પત્રિકામાં ?

 (1)      રાજકોટ લેઉવા પટેલોની પરંપરાગત બેઠક હતી અને તેને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

 (2)      ભાજપના હાલના ઉમેદવાર લેઉવા પટેલના કટ્ટર વિરોધી છે

 (3)      ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે લેઉવા પટેલને ગોધરિયા કહ્યાં છે.

 (4)      કેશુભાઈ પટેલને આ ઉમેદવારે ભાદરવાના ભીંડા કહીને અપમાન કર્યુ હતું.

 (5)      2015ના અનામત આંદોલનમાં આ જ નેતાઓ દ્વારા એમની સૂચનાથી એમની પોલીસ દ્વારા પાટીદાર મા-બહેન-દીકરીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવી ત્યારે તેઓ ક્યાં હતાં ?

 (6)      આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું ષડયંત્ર કોણે રચ્યું હતું ?

 (7)      મોહનભાઈ કુંડારિયાને લેઉવા પટેલોને મત આપ્યાં હતાં, હવે પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે કડવા પટેલ મત આપશે કેમ ?

 (8)      ઉમાના વારસદારો એવુ અભિમાન કરે છે કે, માં ખોડલના વંશજો સામાજિક-રાજકીય રીતે 50 વર્ષ પાછળ છે તો શું તેમને આગળ આવવાનો અધિકાર નથી

 (9)      જ્યારે મત લેવાના હોય ત્યારે સમસ્ત પાટીદાર, મત દેવાના થાય ત્યારે લેઉવા-કડવાને કોણ લડાવે છે ?

 (10)બે દાયકા પછી રાજકોટ સસદીય મત વિસ્તારમાં લેઉવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ લેઉવા-કડવા વચ્ચે વૈમન્સ્ય પૈદા થાય તેવો પ્રયાસ કોણ કરી રહ્યું છે.

 

 

 

રાજકોટમાં પત્રિકા પ્રકરણમાં કોંગ્રેસ આગેવાન સહિત પાંચની ધરપકડ

 

લેઉવા-કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય-મતભેદ થાય તેવી પત્રિકાનું વિતરણ થયું’તું

 

રાજકોટ, તા.3 : મવડી વિસ્તારમાં આ વોર્ડના કોંગી આગેવાન અને કાર્યકરો દ્વારા લેઉવા-કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને બન્ને સમાજ વચ્ચે મતભેદ ઉભો થાય  તેવા લખાણવાળી પ્રિન્ટર કે પ્રકાશકના નામ વગરની પત્રિકાઓનુ વેચાણ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા ભાજપ આગેવાન દવારા કોંગી પ્રમુખ અને મહામંત્રી સહિતના

શખસો સામે ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસે ગુનો નોંધી પાંચ શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત  એવી છે કે, મવડી ગામે ગાયત્રી પાર્ક મેઈન રોડ પર રહેતા અને હડમતાલામાં કારખાનુ ધરાવતા અને વોર્ડ નં.11માં ભાજપ પ્રમુખ તરીકે કામ કરતા  મહેશભાઈ રવજીભાઈ પીપરીયાએ વોર્ડ નં.11ના કોંગ્રેસ પ્રમુખ કેતન વાળા, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રકાશ વેજપરા અને કાર્યકરો વિપુલ તારપરા અને દીપ ભંડેરી તેમજ તપાસમાં ખુલે તે સહિતના વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નેંધ્યો હતો.

આ પ્રકરણ સંદર્ભે પોલીસે હાથ ધરેલી તપાસમાં ભાજપ આગેવાન મહેશભાઈ પીપરીયા રાત્રીના ઘેર હતા ત્યારે તેના મિત્ર રાજુભાઈ ડાંગરીયાએ જાણ કરી હતી કે રાજદીપ સોસાયટીમાં કોંગી પ્રમુખ કેતન વાળા, પ્રકાશ વેજપરા સહિતના શખસો દ્વારા સોસાયટીમાં ઘેર-ઘેર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યંy છે અને આ પત્રિકામાં લઈને જોતા તેમાં લેઉવા-કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને મતભેદ ઉભા થાય તેવું લખાણ હોવાનું જણાવ્યું હતું અને બાદમાં મિત્ર રાજુભાઈઆ પત્રિકા લઈને મહેશભાઈ પીપરીયાને આપી હતી અને બાદમાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

આ બનાવ સંદર્ભે ક્રાઈમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી અને કોંગી પ્રમુખ કેતન વાળા, મહામંત્રી પ્રકાશ વેજપરા, કાર્યકરો વિપુલ તારપરા, દીપ ભંડેરી અને ચીરાગ ઢોલરીયાને ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કર્યા બાદ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ પત્રિકા કયાં પ્રિન્ટ કરાવી અને કોના કહેવાથી તે સહિતના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ પત્રિકા પ્રકરણમાં મુખ્ય સુત્રધાર કોણ તે સહિતના મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક