• શનિવાર, 04 મે, 2024

ભાષણ વચ્ચે મંચ ઉપર જ બેહોશ થયા નીતિન ગડકરી

-યવતમાલમાં સ્ટેજ ઉપરના લોકો તાકીદે ઈલાજ માટે લઈ ગયા : ખુદ પોસ્ટ કરી સ્વસ્થ હોવાની જાણકારી આપી

નવી દિલ્હી, તા. 24 : મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ આપતા સમયે મંચ ઉપર અચાનક બેભાન થઈને ઢળી પડયા હતા. એકાએક નીતિન ગડકરી બેહોશ થઈ જતા મંચ ઉપર રહેલા લોકોએ તત્કાળ તેમને ઉઠાવ્યા હતા અને ઈલાજ માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે થોડા સમય પછી નીતિન ગડકરીએ એક્સ ઉપર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગરમીના કારણે તેઓ અસહજ થયા હતા. જો કે હવે પુરી રીતે સ્વસ્થ છે અને આગામી સભામાં સામેલ થવા વરુડ માટે નિકળી રહ્યા છે. આ સાથે લોકોના સ્નેહ અને શુભકામનાઓનો આભાર માન્યો હતો.

નીતિન ગડકરી મંચ ઉપર ભાષણ દરમિયાન બેભાન થયા તેનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ એકદમ બેશુદ્ધ હાલતમાં છે અને આસપાસના લોકો તેઓને ઉપાડીને ઈલાજ માટે લઈ જઈ રહ્યા છે. આ અગાઉ પણ નીતિન ગડકરી સાથે આવો બનાવ બની ચુક્યો છે. 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ગડકરી મંચ ઉપર બેભાન થયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન ગવર્નર વિદ્યાસાગર રાવ ગડકરીની સાથે હતા. ગવર્નરે જ તેઓને સ્ટેજ ઉપર સંભાળ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે સુગર લેવલ ઘટી જવાના કારણે ગડકરીને ચક્કર આવી ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક