અમૂલે દહીં-લસ્સીમાં ભાવ વધારી નાખ્યા
અમદાવાદ,
તા.14: મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક આર્થિક બોજ આવી પડયો છે.
દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલ દ્વારા
દહીં અને લસ્સીની કિંમતોમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર
2 થી 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ તોતિંગ
વધારો ઝીંકવામાં આવ્યો છે.
નવા
ભાવ પત્રક મુજબ, દહીંના વિવિધ પેકિંગમાં કિંમતો વધારવામાં આવી છે. અગાઉ 80 રૂપિયામાં
મળતું 1 કિલોગ્રામ દહીંનું પેક હવે 5 રૂપિયાના વધારા સાથે 85 રૂપિયામાં મળશે.
380 ગ્રામ દહીંની થેલીનો ભાવ 35 રૂપિયાથી વધીને 37 રૂપિયા થઇ ગયો છે, જ્યારે 1 કિલોગ્રામ દહીંની બકેટ માટે ગ્રાહકોએ
હવે 115 રૂપિયાના બદલે 120 રૂપિયા ચૂકવવા પડશે. દહીંની સાથે ‘અમૂલ રોઝ લસ્સી’ પણ મોંઘી
થઇ છે. જેની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતાં
તે 15 રૂપિયાના બદલે હવે 17 રૂપિયામાં ઉલબ્ધ થશે.
ગુજરાત
કો-ઓપરેટિવ મિલક માર્કેટીંગ ફેડરેશન દ્વારા 12 નવેમ્બર-2026થી દેશભરમાં અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા તાજા દૂધના મુખ્ય વેરિયન્ટ્સમાં
અંદાજે 4 થી 5 ટકાનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત, સૌથી વધુ વેચાતા 3 ટકા ફેટ ધરાવતા ‘અમૂલ
તાજા’ (ટોન્ડ મિલ્ક)ના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયા અને 6 ટકા ફેટ ધરાવતા ‘અમૂલ ગોલ્ડ’ના
ભાવમાં લિટર દીઠ 4 રૂપિયાનો વધારો કરાયો હતો. દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવ પણ
વધતા સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ પડયો છે.