અમદાવાદ, સુરત અને વડોદરા સહિત છ રાજ્યોમાં 33 સ્થળોએ એજન્સીનું સર્ચ ઓપરેશન
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.14: કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ છેલ્લા કેટલાક
દિવસોમાં મહાદેવ ઓનલાઈન બુક એપના ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે જોડાયેલા
પેનલ ઓપરેટરોના ઠેકાણાઓ પર દેશભરમાં દરોડા પાડ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં ગુજરાતના અમદાવાદ,
વડોદરા અને સુરત ઉપરાંત અમૃતસર, દિલ્હી, ભોપાલ, રાયપુર, દુર્ગ, ઈન્દોર, મુંબઈ અને નાગપુરનો
સમાવેશ થાય છે. ઓમાનમાંથી ભારત લવાયેલા આ પ્લેટફોર્મના પ્રમોટર અને મુખ્ય આરોપી સૌરભ
ચંદ્રાકરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાના આધારે તપાસ એજન્સી દ્વારા કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી. ગુજરાત સહિત 6 રાજ્યોના 33 સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા હોવાની
વિગતો મળી છે.
સીબીઆઈની
ટીમોને અનેક સ્થળોએથી લાઈવ સટ્ટાબાજી અને ઓનલાઈન જુગારની પેનલો મળી હતી, જેને તાત્કાલિક
અસરથી તોડી પાડવામાં આવી છે. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન સહિતના મહત્વપૂર્ણ
દસ્તાવેજો મળી આવ્યા છે. કેટલાક સ્થળ પરથી મ્યુલ બેંક એકાઉન્ટ્સ અને હવાલા નેટવર્કનો
ઉપયોગ દર્શાવતા મહત્વના ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસ
એજન્સી તરફથી કહેવામાં આવ્યું હતું કે, એપના પ્રમુખ લોકોમાં સામેલ સૌરભ ચંદ્રાકરના
ઓમાનથી પ્રત્યાર્પણ બાદ થયેલા ખુલાસાના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ
કાર્યવાહીમાં સટ્ટાબાજી એપના પેનલ સંચાલકો સંબંધિત પરિસરોને નિશાન બનાવવામાં આવ્યા
હતા.
સીબીઆઈ
પ્રવક્તાએ કહ્યું હતું કે ઘણા સ્થળે સટ્ટાબાજી અને જુગારની ઓનલાઈન પેનલ સક્રિય મળી
આવી હતી. જેને બાદમાં નિક્રિય કરવામાં આવી હતી. ઈડીના એક અનુમાન પ્રમાણે મહાદેવ એપ
અને તેના સંબંધિત અન્ય પ્લેટફોર્મથી લગભગ 94,000 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જેમાંથી
4-5 હજાર કરોડ રૂપિયા પહેલા જ પ્રમોટર સુધી પહોંચાડી દેવાયા છે.