બોટાદ,
તા.13 : બોટાદ જિલ્લામાં પ્રતિબંધિત ઓનલાઈન મની ગામિંગ પોર્ટલ અને વેબસાઈટ ચલાવતા નેટવર્ક
સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કાર્યવાહી કરી છે. પોલીસે એક આરોપીને ઝડપી લઈ લેપટોપ, મોબાઈલ,
બેંક પાસબુક અને ચેકબુક સહિત કુલ રૂ.30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે તપાસ
દરમિયાન અન્ય ચાર શખસોનાં નામ પણ સામે આવ્યાં છે.
રાજ્ય
સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું
હતું કે આરોપીઓ પ્રતિબંધિત ઓનલાઈન ગામિંગ પોર્ટલ શરૂ કરવા ડોમેઈન ખરીદતા, પેમેન્ટની
સુવિધા ઊભી કરતા અને ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરી ગામિંગ સિન્ડિકેટ ચલાવતા
હતા. સામાન્ય લોકોને લોભામણી સ્કીમો દ્વારા આ પ્રવૃત્તિમાં જોડવામાં આવતા હોવાની વિગતો
પણ બહાર આવી છે. આ મામલે પોલીસે ગઢડા તાલુકાના ટાટમ ગામે રહેતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ
સાકળીયાની ધરપકડ કરી છે. જ્યારે હર્ષદભાઈ બાવળિયા, નિકુલભાઈ જીડિયા, રાજ ઉર્ફે ગાજી
જાડા અને ઉદય ઉર્ફે ઉદેશ મકવાણાનાં નામ તપાસમાં ખુલ્યાં છે. પોલીસે રૂ.10 હજારનો મોબાઈલ,
રૂ.20 હજારનું લેપટોપ, સાત બેંક પાસબુક અને આઠ ચેકબુક કબજે કરી છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં
ગુનો નોંધી ઓનલાઈન ગામિંગ એક્ટની કલમ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.