• રવિવાર, 15 નવેમ્બર, 2026

વિધાનસભા ચૂંટણી-2027ની તૈયારી, ગુજરાતના મંત્રીઓ સાથે મોદીનું મંથન

જનસંપર્ક મજબૂત બનાવો તેમજ ડિજીટલ પ્લેટફોર્મ અપનાવો : પીએમની ચૂંટણીલક્ષી ‘શીખ’

અમદાવાદ તા.14 : ગુજરાતમાં વિધાનસભા-2027ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય તૈયારીઓના ભાગરૂપે પ્રધાનમોદી નરેન્દ્રમોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા, લોકોની સમસ્યાઓ સાંભળવા અને સરકારી યોજનાઓને છેવાડાના

માનવી સુધી પહોંચાડવા પીએમએ ગુજરાતના તમામ મંત્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

પીએમ મોદીએ શુક્રવારે મોડીરાત્રે આશરે 3.30 કલાક સુધી રાજ્યના મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકને રાજકીય વર્તુળોમાં પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી તરીકે જોવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ મંત્રીઓ સાથે પોતાના જૂના અનુભવો વાગોળ્યા હતા. તેમણે ગુજરાતમાં ભાજપના શરૂઆતના દિવસોમાં પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવા માટે કરેલા પ્રયાસો, અનેક ઘટનાઓ અને કિસ્સાઓ પણ યાદ કર્યા હતા.

પીએમ મોદીએ મંત્રીઓને જનસંપર્ક અને જનસમર્થનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે આ અંગે માર્ગદર્શન આપતાં કહ્યું કે, ચૂંટણી પહેલાં લોકો વચ્ચે જઈને તેમની સાથે સીધો સંપર્ક જાળવવો અને તેમની સમસ્યાઓ સમજવી ખૂબ જરૂરી છે. સરકારનાં કામોનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

વાતચીત દરમિયાન પીએમ મોદીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વિવિધ જાહેરલક્ષી યોજનાઓ અને તેની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે મંત્રીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા કે ગુજરાતમાં અમલી બનાવવામાં આવેલી યોજનાઓને દેશનાં અન્ય રાજ્યોમાં કેવી રીતે અમલી બનાવવામાં આવી છે.

બદલાતા સમય અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ મંત્રીઓ અને નેતાઓને ડિજિટલ મીડિયા અપનાવવાનું પણ સૂચન કર્યું હતું. લોકો સુધી પહોંચવા અને સરકારનાં કામોની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો હતો. એકંદરે સાડા ત્રણ કલાકની આ મેરેથોન બેઠક સંગઠનની મજબૂતી, લોકસંપર્ક, જનકલ્યાણકારી યોજનાઓ અને ડિજીટલ યુગમાં અસરકારક નેતૃત્વ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ઉડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આજે સંસ્કારધામ ટ્રસ્ટની એક બેઠકમાં પણ સામેલ થયાં હતાં. બાદમાં બપોરે અમદાવાદથી દિલ્હી જવા રવાના થયાં હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક