• સોમવાર, 02 નવેમ્બર, 2026

રાજકોટની સરાઝા હોટેલમાં શરાબની મહેફિલ : 38 સામે ગુનો

જાણીતા બિલ્ડર પરિવારના નબીરાની પાર્ટીમાં અગ્રણી ઉદ્યોગપતિ, વેપારીઓની ઉપસ્થિતિ,દારૂની રેલમછેલ : અડધી રાત્રે ત્રાટકેલી પોલીસ રવિવારે બપોરે ઢીલી પડી ગઈ

 

લાખોની કારમાં આવેલા મહેમાનો મોં છુપાવી દોડીને ભાગ્યા 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.1: રાજકોટની લક્ઝરીયસ સરાઝા હોટેલમાં બિલ્ડર, ઉદ્યોગપતિઓનાં નબીરાઓની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનાં પર્દાફાશે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. કાલાવડ રોડ ઉપર આવેલી આ હોટેલમાં દારૂની મહેફીલ ઉપર દરોડો પાડીને પોલીસે 33 મહિલાઓ સહિત કુલ 96 લોકોને શનિવારની મધરાતે ઝડપી લીધા હતાં અને પછી શરૂ થયો હતો લાગવગ અને ભલામણોનો ધમધમાટ. કેટલાક ધારાસભ્યોનાં ફોનથી રાજકોટ પોલીસથી લઈને ગાંધીનગર સુધી ભલામણોનો દોર ચાલ્યો હોવાનું કહેવાય છે. ઝડપાયેલા તમામ પાર્ટીખોર નબીરાઓની ઓળખ અને તેમના માટે ભલામણોનાં ધમપછાડા પછી પોલીસની કામગીરીમાં ઓચિંતા શંકા ઉપજાવનારું વર્તન ઉડીને આંખે વળગવા માંડયું હતું. અટકાયતમાં લેવાયેલા આરોપીઓને હોટેલથી નશાનાં પરીક્ષણો કરવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડતી વેળા હોટેલની લાઈટ બંધ કરવાંથી માંડીને કોઈની ઓળખ છતી ન થઈ જાય તેની તકેદારી પોલીસે જે રીતે રાખી તેમાંથી દાળમાં કંઈક કાળુ હોવાની ગંધ આવવા લાગી હતી. શનિવારની રાતનાં આ સનસનીખેજ પ્રકરણમાં બીજા દિવસે ફક્ત 38 સામે દારૂનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આશરે સો જેટલા લોકોની પાર્ટીમાંથી પોલીસે માત્ર 11 બોટલ દારૂ ચોપડે ચડાવ્યો છે. કહેવાય છે કે, આ ભીનું સંકેલી લેવા માટે આઠેક કરોડ રૂપિયામાં સોદાબાજી કરી લેવાની ઓફર પણ થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પોશ અને વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા સામે આવેલી સરાઝા હોટલમાં શનિવારે મોડી રાત્રે ડેકોરા પરિવારના પુત્રના જન્મદિવસની ઉજવણીના નામે યોજાયેલી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં જાણીતા ડેકોરા બિલ્ડર પરિવારના પુત્ર ચિરાગ અરાવિંદભાઈ પટેલના જન્મદિવસની એડવાન્સ ઉજવણીના નામે વિદેશી દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી હતી. આ પાર્ટીમાં શહેરના બિલ્ડર, વેપારી અને ઉદ્યોગજગત સાથે સંકળાયેલા અનેક લોકો હાજર હોવાની વિગતો સામે આવી છે. એલસીબી ઝોન-2ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં પાર્ટીમાં હાજર સ્ત્રી-પુરુષોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાર્ટીમાં જી.ડી.અજમેરા મેન સપ્લાય કંપનીના માલિક ગૌરવ ધીરેન્દ્રભાઈ અજમેરા અને તેના પત્ની પણ હાજર હતા જે ભૂતકાળમાં વારંવાર અખબારમાં પણ ચમકી ચુક્યા છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 100 જેટલા સ્ત્રી-પુરુષોને ઝડપી લીધા હતા. મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો, હુક્કા અને અન્ય મુદ્દામાલ મળી આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલા પોલીસ કર્મચારીઓ અને પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન ત્યાં હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો. હોલની તપાસ દરમિયાન ટેબલ અને કાઉન્ટર પરથી પેટ્રન સિલ્વર ટેક્વિલા, ગ્લેનલિવેટ અને જોની વોકર ગોલ્ડ લેબલ જેવી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ભરેલી તેમજ ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત દારૂ પીવા માટે ઉપયોગમાં લેવાયેલા આશરે 40 કાચ અને પ્લાસ્ટિકના ગ્લાસ, કોલ્ડડ્રિન્ક્સની ખાલી બોટલો અને પાંચ હુક્કા પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.17,500નો પ્રોહિબિશન સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં પાર્ટીના આયોજક ચિરાગ અરાવિંદભાઈ પટેલ સહિત કુલ 38 પુરુષો સામે દારૂ પીધા અંગે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા લોકોમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોના વેપારીઓ, બિલ્ડરો તથા ખાનગી નોકરી કરતા લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ પાર્ટીમાં હાજર આશરે 33 મહિલાએ દારૂ પીધો હતો કે કેમ તે જાણવા મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

જોકે, આ સમગ્ર દરોડાની કાર્યવાહી સામે હવે અનેક સવાલો પણ ઊભા થયા છે. શહેરની હદમાં આવેલી જાણીતી સરાઝા હોટેલના બેન્કવેટ હોલમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને દારૂની પાર્ટી કરી રહ્યા હતા ત્યારે હોટેલ સંચાલકોની જવાબદારી શું હતી ? પાર્ટીમાં આટલો મોટો દારૂનો જથ્થો હોટેલ સુધી કેવી રીતે પહોંચ્યો અને આટલી મોટી પાર્ટી અંગે સ્થાનિક પોલીસને અગાઉથી કોઈ જાણકારી કેમ ન મળી? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. સરાઝા હોટેલમાં દરોડા બાદ પાર્ટીમાં હાજર ઉદ્યોગપતિઓને બચાવવા અનેક ધારાસભ્યોના પોલીસ પર ફોન આવ્યા હોવાની ચર્ચા છે. સમગ્ર પ્રકરણ દબાવવા રૂ.8 કરોડની પતાવટની વાતોએ પણ જોર પકડ્યું છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે દરોડામાં અંદાજે 96 જેટલા સ્ત્રી-પુરુષો મળી આવ્યા હોવા છતાં માત્ર 38 પુરુષો સામે પીધેલાનો ગુનો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. બાકીના લોકોની ભૂમિકા શું હતી, દારૂના જથ્થાની વ્યવસ્થા કોણે કરી હતી અને હોટેલ સંચાલકો સામે કઈ કાર્યવાહી કરવામાં આવી તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે. એક તરફ દારૂબંધીના કડક અમલની વાતો કરવામાં આવે છે, ત્યારે શહેરના પોશ વિસ્તારમાં આટલી મોટી મહેફિલ યોજાય તે પોલીસની દેખરેખ અને કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. આ મામલે તાલુકા પોલીસ મથકના પી.આઈ.એસ.આર.મેઘાણીને પૂછતા તેને પણ મૌન સેવ્યું હતું. બનાવ અંગે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને પાર્ટીના આયોજકો સહિત અન્ય જવાબદારો સામે તપાસનો રેલો પહોંચે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક