કોરા ટ્રેડમાં શેરબજારમાં રોકાણની લાલચ આપી ચાર મહિનામાં બે ગઠિયાઓએ અલગ-અલગ બેન્ક ખાતામાં નાણાં પડાવ્યાં, મુદ્દલ અને નફો બન્ને પરત ન આપ્યા
અમરેલી,
તા.31 : અમરેલી જિલ્લાના ધારીમાં શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને
એક મહિલા ફાયનાન્સ મેનેજર સાથે રૂ.36.89 લાખની ઓનલાઇન છેતરાપિંડી થયાનો બનાવ સામે આવ્યો
છે. ચાર મહિનાના સમયગાળા દરમિયાન બે અજાણ્યા શખસે વારંવાર ફોન કરીને મહિલાને વિશ્વાસમાં
લીધી હતી. ત્યારબાદ કોરા ટ્રેડ નામના શેરબજારના રોકાણ મંચમાં નાણાં રોકવાથી સારો નફો
મળશે તેવી ખાતરી આપી અલગ-અલગ બેન્ક ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા. જોકે, રોકાણ કરેલી
રકમ અને તેના પર મળેલો નફો પરત ન આપી બન્ને શખસે નાણાં ઓળવી લીધા હતા.
આ બનાવમાં
મૂળ ઝારખંડની અને હાલ ધારીમાં જે.કે. પેટ્રોલ પંપ પાછળ અજંતા સોસાયટીમાં રહેતી અરુંધતિ
રાજીવકુમાર મુખરજી (ઉં.વ.45)એ ફરિયાદ નોંધાવી છે. તેઓ જે.આર.વી.ડી. ડિફસ્પેસ ટેકનોલોજી
પ્રાઇવેટ લિમિટેડમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 19 જૂનથી 29 જુલાઈ દરમિયાન
આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને વિશ્વાસમાં લીધા બાદ અલગ-અલગ તારીખે બેન્કમાં નાણાં ટ્રાન્સફર
કરાવ્યા હતા. ફરિયાદ મુજબ કોરા ટ્રેડના ફાયનાન્સ વિભાગના કર્મચારી અને કાર્તિક મહેતા
નામના શખસે મળી કુલ રૂ.36,89,860ની છેતરાપિંડી કરી હતી. આ અંગે પોલીસે બન્ને સામે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.