અમેરિકાની એબિગેઇલ નેટને 8-6થી પરાજય આપ્યો
નવી દિલ્હી, તા.31: કઝાકિસ્તાનના અસ્તાના ખાતે રમાઈ
રહેલી સિનિયર વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં 29 વર્ષીય ભારતીય મહિલા કુસ્તીબાજ મનીષા
ભાનવાલાએ નવો ઇતિહાસ લખ્યો છે. 59 કિગ્રા વજન વર્ગની રોમાંચક ફાઇનલમાં અમેરિકાની એબિગેઇલ
નેટને 8-6થી પરાજય આપી મનીષા સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી સર્વપ્રથમ
ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે.
મનીષા માટે આ મુકાબલો અત્યંત પડકારજનક રહ્યો હતો.
ટાઇટલ બાઉટમાં તે એક સમયે 0-6થી પાછળ ચાલી રહી હતી. જોકે, અંતિમ ક્ષણોમાં અદભુત લડાયક
મનોબળ દાખવતા તેણે સળંગ આઠ પોઈન્ટ્સ અંકે કરી અમેરિકન પહેલવાન સામે વાપસી સાથે સુવર્ણ
પદક જીત્યો હતો. તે સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની અલ્ટીન શગાયેવાને પરાજય આપી ફાઇનલમાં
પહોંચી હતી. મનીષાની આ સિદ્ધિથી મહિલા કુસ્તીમાં ભારતના લાંબા સમયથી ચાલી આવતા વર્લ્ડ
ટાઇટલના દુકાળનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2010માં 66 કિગ્રા વર્ગમાં સુશીલ કુમારે
ગોલ્ડ જીત્યા બાદ સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી મનીષા દેશની માત્ર બીજી
પહેલવાન બની છે.
કુલ
ચાર મેડલ સાથે ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન
મનીષાના ઐતિહાસિક ગોલ્ડ ઉપરાંત કાજલ ઢોચક અને નીલમ
સિરોહીએ રજત પદક (સિલ્વર) જીત્યા હતા, જ્યારે તનુ શર્માએ 72 કિગ્રા કેટેગરીમાં કાંસ્ય
પદક (બ્રોન્ઝ) પોતાના નામે કર્યો હતો. છ પોઇન્ટની ખાધમાંથી બેઠા થઈને મેળવેલી આ જીત
મનીષાના મજબૂત સંકલ્પ અને ભારતીય મહિલા કુસ્તી માટે એક માઇલસ્ટોન સમાન છે.