• સોમવાર, 02 નવેમ્બર, 2026

અમદાવાદ એરપોર્ટથી 13 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે બે ઝડપાયા

થાઈ એરવેઝની ફ્લાઈટમાંથી ઉતરેલા બે પેસેન્જરની ટ્રોલી બેગમાંથી કરોડોની કિંમતના ગાંજાના 14 પેકેટ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.1: અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર એર ઈન્ટેલીજન્સ યુનિટ તથા કસ્ટમ્સ વિભાગે એક સફળ ટ્રેપમાં 13 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજાના જથ્થા સાથે બે મુસાફરોની ધરપકડ કરી છે. વિદેશથી ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ્સના અધિકારીઓની બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલા બે મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. તેમની તપાસ કરતા ટ્રોલી બેગની અંદરથી હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળ્યો હતો. બંને શખસો સામે એનડીપીએસ એક્ટની હલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટમાંથી બે મુસાફરો અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા. ચોક્કસ બાતમી અને પેસેન્જરના પ્રોફાઇલિંગને આધારે બંનેની ગતિવિધિ પર શંકા જતા તેમને તપાસ માટે રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ચેક-ઈનટ્રોલી બેગ્સની એક્સ-રે સ્કાનિંગ કરવામાં આવ્યું હતું. બેગની અંદર શંકાસ્પદ વસ્તુઓ હોવાનું જણાયું હતું. બંનેની ટ્રોલી બેગની કડક તપાસ કરવાતા તેમાંથી વેક્યૂમ સીલ કરાયેલા કુલ 14 પેકેટો મળ્યા હતા.

બેગમાંથી સૂકા પાન જેવો પદાર્થ મળ્યો હતો જેની ડ્રગ ડિટેક્શન કિટની મદદથી તપાસ કરાતા તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું જણાયું હતું. કસ્ટમ્સના અધિકારીએ આપેલી માહિતી મુજબ બંને પાસેથી કુલ 13.012 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો છે જેની વૈશ્વિક બજારમાં કરોડોની કિંમત થાય છે. કસ્ટમ્સે બંને શખસો સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક