• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, હેક્ટર દીઠ રૂ.8500ની સહાય

-કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓ માટે ગુજરાત સરકારનું રાહત પેકેજ ઃ પશુપાલકોને માત્ર રૂ.બેમાં ઘાસચારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.26 ઃ ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન સામે પડકારો ઊભા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બાદ કચ્છ સહિત સોરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓને  દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર  કર્યાં છે. મુખ્યમંત્રીએ રાહતનાં પગલાં રૂપે ખેડૂતોને પાકના નુકસાન સામે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશુપાલકોને રાહત દરે ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારી આપવાની જોગવાઈ પણ કરી છે.રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ તા. 1/11/2026થી કરવામાં આવશે  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતં કે, આ વર્ષે ગુજરાતમાં અંદાજે 89 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની અસમાન વહેંચણીને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાક, પાણી અને પશુઓના ઘાસચારાને લઈને ચિંતા વધી છે. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ સ્થિતિનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા, જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામજોધપુર છે. કચ્છ જિલ્લામાં ભુજ, લખપત, અબડાસા, માંડવી, અંજાર, મુન્દ્રા, ભચાઉ અને ગાંધીધામ તાલુકાઓનો સમાવેશ છે.

અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાન સામે પ્રતિ હેક્ટર 8,500ની સહાય અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓછા વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને સહાય માટેની પાત્રતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહેશે.  ઓછા વરસાદથી પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ થયું છે અને રાજ્ય સરકાર પાસે 3 કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. પશુપાલકોને પ્રતિ કિલો રૂ.2ના રાહત દરે ઘાસચારો મળે છે. જરૂરિયાત વધે તો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું આયોજન પણ છે.

અસરગ્રસ્ત તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે ત્યારબાદ પણ જરૂરિયાત રહેશે તો સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. દુષ્કાળની સ્થિતિમાં ગ્રામ્ય પરિવારોની આજીવિકા જળવાઈ રહે તે માટે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય વર્ષ 2026થી અમલમાં મૂકવાનો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી રવિ સિઝન માટે 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કર્યુ છે. સાથોસાથ પીવાના પાણીને પણ પ્રાથમિક્તા આપીને તા. 30/06/2027 સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક