વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ, પાંચ વર્ષના બાળકની હાલત ગંભીર
ભાવનગર,
તા.26: ભાવનગરના વાલકેગેટ વિસ્તારમાં પારિવારિક બોલાચાલી બાદ હૃદયદ્રાવક ઘટના બની છે.
પાંચ વર્ષના બાળકને તેની માતાએ ઠપકો આપતાં નાનીને માઠું લાગી આવ્યું હતું. આ બાબતે
થયેલી બોલાચાલી બાદ નાનીએ દોહિત્રને ઝેરી પદાર્થ પીવડાવી પોતે પણ ઝેરી પદાર્થ પી લીધો
હતો. સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બાળકની હાલત ગંભીર હોવાનું
જાણવા મળ્યું છે.
વાલ્મીકીવાસમાં
રહેતાં શિલ્પાબેન ધરણીયા છૂટાછેડા બાદ પોતાના પાંચ વર્ષના પુત્ર હેત સાથે માતા ભારતીબેન
પાસે રહેતાં હતાં. શિલ્પાબેન ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં હોવાથી બાળકની સંભાળ મોટાભાગે
તેના નાની રાખતા હતા.
ઘટનાના
દિવસે હેત તોફાન કરતો હોવાથી માતા શિલ્પાબેને તેને ઠપકો આપ્યો હતો. આ બાબત ભારતીબેનને
ખટકતાં માતા-પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ભારતીબેને અનાજમાં વપરાતી ઝેરી
દવા પી લીધી હતી અને દોહિત્રને પણ પીવડાવી હતી.
બંનેની
તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન ભારતીબેનનું
મૃત્યુ થયું હતું અને બાળકની સઘન સારવાર ચાલી
રહી છે. આ મામલે શિલ્પાબેને ગંગાજાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.