રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસીની બેઠકમાં મંજૂરી : 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી : સેનાની યુદ્ધ ક્ષમતા બનશે મજબૂત
નવી દિલ્હી, તા. 26 : ડિફેન્સ
એક્વીઝિશન કાઉન્સીલ એટલે કે ડીએસી દ્વારા રક્ષા દળો માટે હથિયારોની મોટી ખરીદીને મંજૂરી
આપવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંદાજીત 2,12,000
કરોડ રૂપિયાના પ્રસ્તાવોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ભારતીય સેના,
નૌસેના અને વાયુસેના ત્રણેય માટે ઘણી મહત્વપૂર્ણ સિસ્ટમ અને હથિયાર સામેલ છે. આ ખરીદીથી
સેનાની ત્રણેય પાંખની યુદ્ધ ક્ષમતામાં વધારો થશે તેમજ આધુનિક યુદ્ધના પડકારોનો સામનો
કરવામાં મદદ મળી રહેશે. આ તમામ મંજૂરીમાંથી 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગોમાંથી કરવામાં
આવશે.
સેના માટે ઘણી મહત્વની પ્રણાલીઓને
મંજૂરી મળી છે. હાઈ મોબિલિટી વ્હીકલ્સથી દુર્ગમ વિસ્તારમાં અવરજવર અને સામાન આપૂર્તિ
સરળ બનશે. સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ મેકેનાઈઝડ ફોર્મેશનને વધારે ગતિશીલતા
અને ફાયરપાવર આપશે. ગન શોટ રિસ્પોન્સ સિસ્ટમ રિયલ ટાઈમ સ્થિતિની જાણકારી આપીને ફોર્સને
તાકાત આપવાનું કામ કરશે.
લાઈટ મલ્ટી રોલ હેલીકોપ્ટર ભૂમિદળ
અને વાયુસેના બન્ને ઉપયોગ કરશે. આ હેલીકોપ્ટર ટોહી, યુદ્ધ, શોધ-બચાવ અને રાહત જેવા
કામમાં ઉપયોગી બનશે. લાંબી દૂરીના સર્વેલન્સ ડ્રોન, ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ એન્ડ સ્ટ્રાઈક
સિસ્ટમ અને લોંગ રેન્જ કામિકાજી ડ્રોન સિસટમ ભૂમિદળની દેખરેખ અને નિશાન લગાડવાની ક્ષમતાને
નવી ઉંચાઈ આપશે.
નૌકાદળ માટે એક્ટિવ ઓફબોર્ડ ડિકોય
સિસ્ટમને મંજૂરી મળી છે. આ આધુનિક એન્ટી શિપ મિસાઈલો સામે સુરક્ષા વધારશે. આ ઉપરાંત
સ્વદેશી ડિઝાઈન અને નિર્માણના મોટા નૌસૈનિક પ્લેટફોર્મ પણ સામેલ છે. જે નૌકાદળની યુદ્ધ
ક્ષમતાને મજબૂત કરશે. વાયુસેના માટે હેલીકોપ્ટર, રક્ષા પ્રણાલી, હથિયાર અને મોબાઈલ
એક્સ બેન્ડ ડોપલર વેધર રડાર સિસ્ટમને લીલીઝંડી મળી છે. સ્પેશિયલ યુટિલિટી હેલીકોપ્ટર
વાયુ પરિવહનની જરૂરિયાતને પુરી કરશે.