• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

8 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં નરાધમને ફાંસી જામનગર જિલ્લાના કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો

પોલીસે માત્ર 35 દિવસમાં પુરાવાલક્ષી ચાર્જશીટ રજૂ કરી: કોર્ટે કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ ગણી ચુકાદો આપ્યો

જામનગર, તા. 9: જામનગર જિલ્લાના સિક્કા ખાતે આઠ વર્ષની બાળકીની ઘાતકી હત્યાના ચકચારી કેસમાં નામદાર પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી નીતિન ડોસાજી માણેકને મૃત્યુદંડની સજા ફટકારી છે. બાળકી પર આશરે એક માસ સુધી શારીરિક અત્યાચાર ગુજારી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી હોવાનો આઘાતજનક બનાવ વર્ષ 2025માં બન્યો હતો. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસને રેરેસ્ટ ઓફ ધી રે ર શ્રેણીમાં ગણાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સિક્કામાં આઠ વર્ષની બાળકી પર આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. બાળકીના શરીરના ગુપ્ત ભાગો અને છાતી પર દિવાસળીથી ડામ આપવામાં આવ્યા હતા. ઉપરાંત, લોખંડના દસ્તા અને ધોકા વડે માર મારવા તેમજ દીવાલ સાથે ભટકાવીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ રહ્યો હતો. જોકે, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સિક્કાના રહેવાસી નીતિન ડોસાજી માણેકની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરીને બનાવના માત્ર 35 દિવસમાં જ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

પોક્સો કોર્ટમાં સરકારી વકીલો દ્વારા કેસને લગતા કુલ 23 સાહેદોની જુબાની અને આશરે 95 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે પુરાવાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી નીતિન ડોસાજી માણેકને ખૂનના ગુનામાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત, પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને રૂ. 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકી અને તેના પરિવારને ટૂંકા ગાળામાં ન્યાય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જામનગર પોલીસની ટીમ તેમજ સરકારી વકીલ જમન ભંડેરી અને ભારતીબેન વાદીની કામગીરીને બિરદાવી હતી. તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે કડક વલણ અપનાવવાની રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે આ ચુકાદાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક