• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

દેખાવો પહેલાં જ દિલ્હી પોલીસને મોટો ઝટકો

ખુલ્લી છૂટની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો સામે કડક કાર્યવાહી કરવા માટે ‘ખુલ્લી છૂટ’ આપવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, કોર્ટ આ વાતથી પૂરી રીતે સભાન છે કે, વિરોધ કરનારાઓમાં ઘણા યુવા વિદ્યાર્થીઓ છે અને તેમના ભવિષ્ય તથા પરિવારોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘યુવા દેખાવકારો અને તેમના પરિવારોનું ભવિષ્ય ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે તેમને લાંબી કોર્ટ કાર્યવાહીમાં ફસાવવા યોગ્ય નથી.’ કોર્ટે જણાવ્યું કે, ‘અદાલતો દ્વારા પાસ કરાયેલા દરેક આદેશ સો ટકા સાચા જ હોય તેની કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ જ્યારે વાત યુવા વિદ્યાર્થીઓની હોય ત્યારે માનવતાવાદી અભિગમ અપનાવવો પડે છે.’ કોર્ટે ભૂતકાળના કેટલાક ઉદાહરણો ટાંકીને કહ્યું કે, ‘ભૂતકાળમાં પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં લોકોએ જે રીતે પ્રતિક્રિયા આપી હતી તેને ધ્યાનમાં રાખીને અગાઉ હાઇકોર્ટના આદેશો રદ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ કોઈ કુખ્યાત કે હાર્ડન ક્રિમિનલ (સાવ અપરાધીઓ) નહોતા.’

અરજદાર એલ. રામનાથન વતી હાજર રહેલા વકીલ મેથ્યુ નેદુમપરાએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને દેખાવકારો સામેની FIR રદ ન કરવાની જરૂર નહોતી. તેમણે એવું પણ કહ્યું કે શાંત બેઠેલી બહુસંખ્યક જનતાની ભાવનાઓનો આદર થવો જોઈએ અને પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક