• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં લોખંડી સુરક્ષા : ઇન્ટરનેટ બંધ

આજે જંતર મંતર ઉપર કોકરોચ આંદોલન પહેલાં છાવણીમાં ફેરવાયું દિલ્હી : રાજ્યોને કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના

ટ્રેનો-મેટ્રો ઠપ, દારૂની દુકાનો બંધ, સ્ટેડિયમમાં બનાવાઈ અસ્થાયી જેલ

નવી દિલ્હી, તા. 9:  દિલ્હીમાં જંતર મંતરે 10 ઓક્ટોબરના રોજ કોકરોચ જનતા પાર્ટી  (સીજેપી) તરફથી પ્રસ્તાવિત પ્રદર્શનને મંજૂરી મળી નથી. આ દરમિયાન શુક્રવારે દિલ્હીમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ પ્રમુખોને પત્ર લખીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસ સાથે તાલમેલ રાખવા કહેવામાં આવ્યું છે. પત્રમાં સરહદી રાજ્યોની ગુપ્તચર એજન્સીઓ, સરહદે અવરજવરની દેખરેખ કરતી એજન્સીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે સતત જાણકારીની આપલે કરવા ભાર મુકવામાં આવ્યો છે. આ સાથે આશંકા વ્યક્ત થઈ  છે કે સીજેપીના લોકો રોક છતાં બીજા રાજ્યોમાંથી દિલ્હી પ્રવેશ કરવાની કોશિશ કરી શકે છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ શનિવારે જંતરમંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને અઈંજઅના વિશાળ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેર મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ભીડની હિલચાલ અટકાવવા માટે દિલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો, કેબ, હોટેલ બાકિંગથી માંડીને દારૂના વેચાણ પર અભૂતપૂર્વ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે 8થી 12 ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસને સહાય માટે ઈઅઙની 221 કંપનીઓ ફાળવી છે, જેમાં અંદાજે 23,000 જવાનો સામેલ છે. આ સઘન બંદોબસ્ત માટે સીઆરપીએફની કંપનીઓને જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ખાસ દિલ્હી બોલાવવામાં આવી છે.

પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવનારા લોકોને રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં અંદાજે 10 ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને તકેદારી વધારી દીધી છે. બહારના રાજ્યોમાંથી ટોળાંઓને ભેગા કરવાના ઈરાદે પ્રવેશવાનો પ્રયાસ કરનાર શંકાસ્પદ વ્યક્તિઓને સરહદ પર જ અટકાવીને કસ્ટડીમાં લેવામાં આવશે.

અટકાયત કરાયેલા લોકોને જે વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે ત્યાં ભીડ એકઠી ન થાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરક્ષાની સ્થિતિ મુજબ આ પ્રતિબંધો નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીના કેટલાક ભાગોમાં પણ લંબાવી શકાય છે.

પોલીસે તમામ મીડિયા સંસ્થાઓને વિનંતી કરી છે કે, પ્રદર્શનનું કવરેજ કરતા તમામ પત્રકારો અને કેમેરામેન બેરિકેડ્સ અને સંવેદનશીલ સ્થળો પર પોતાનું માન્ય પ્રેસ આઈડેન્ટિફિકેશન કાર્ડ ફરજિયાતપણે સ્પષ્ટ દેખાય તે રીતે પહેરીને રાખે.

--------

માખી મારવા હથોડો નહીં; સરકારને સુપ્રીમ ટકોર

આજે સીજેપીનાં પ્રદર્શન પૂર્વે વધુ પડતી કડકાઈ ન બતાવવા તાકિદ : મેટ્રો બંધ કરવાના આદેશ પણ રદ

નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને ફટકાર લગાવી હતી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા આવતીકાલે શનિવારે થનારા વિરોધ પ્રદર્શન વખતે વધુ પડતું કડક વલણ અપનાવવા સામે અદાલતે ચેતવણી આપી હતી.

માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો, તેવું ન થવું જોઈએ. કાર્યવાહી એટલી જ કરો જેટલી જરૂરી હોય,  તેવું મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું.

સાથોસાથ સર્વોચ્ચ અદાલતે દિલ્હી મેટ્રો બંધ કરવાનો આદેશ પણ ફગાવી દેતાં જણાવ્યું હતું કે,  મેટ્રો અને ટ્રેન સેવા પુરી રીતે બંધ રાખી ન શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે સામાન્ય લોકોને પરેશાની ન થાય તેની ખાસ કાળજી લેવાવી જોઈએ.

રેલ્વે અને મેટ્રો સ્ટેશનો પર સીસીટીવી કેમેરા છે જ. સરકાર પાસે સુરક્ષાના બીજા સાધનો પણ છે. આપ તેનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો તેવું કોર્ટે કહ્યું હતું.

સામાન્ય લોકોને સ્ટેશનો પર જવા તેમજ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેવી ટકોર અદાલતે કરી હતી.

સુપ્રીમે એવું પણ કહ્યું હતું કે, જંતર-મંતર ઘણી નાની જગ્યા છે. વિરોધ પ્રદર્શન માટે કોઈ મોટી જગ્યા પર વિચાર થવો જોઈએ.

દરમ્યાન, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું હતું કે, અમારૂં આંદોન થઈને જ રહેશે. કલમ 19 પ્રદર્શનનો અધિકાર આપે છે પછી અનુમતી લેવાની શું જરૂર છે તેવો સવાલ દીપકેએ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક