સંસદે પસાર કરેલા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા બન્યો કાયદો ઃ અપમાન કે ખલેલ બદલે સજાની જોગવાઈ
નવીદિલ્હી, તા.11ઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રગીત વંદે મારતમનાં ગાનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ પાડવો અથવા તેને અટકાવવાને અપરાધ બનાવતાં સંસદે પસાર કરેલા વિધેયકને મંજૂરી આપી દેતા કાયદો બની ગયો છે. સરકારનાં એક નિવેદનમાં જણાવાયું હતું કે, હવે વંદે માતરમને પણ રાષ્ટ્રગાન જેટલું જ કાનૂની રક્ષણ મળશે. એટલે કે તેને પણ હવે જન ગણ મન સમાન દરજ્જો પ્રાપ્ત થઈ ગયો છે.
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રીય સન્માનનું અપમાન રોકથામ (સુધારા) વિધેયક, 2026 કાયદો
બની ગયો છે. રાજ્યસભામાં મંજૂરીના બીજા દિવસે એટલે કે30 જુલાઈએ લોકસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના સમારોહમાં પ્રથમ વખત લાલ કિલ્લાનાં પ્રાચીર પરથી વંદે માતરમ્નું ગાન થશે. આ પહેલાં, રાષ્ટ્રીય સન્માનના અપમાનનાં રોકથામ અધિનિયમ હેઠળ રાષ્ટ્રગાન જન ગણ મન ગાનને ઇરાદાપૂર્વક અટકાવવું અથવા આવા ગાનમાં જોડાયેલા કોઈપણ સમૂહમાં વિક્ષેપ ઊભો કરવો પ્રતિબંધિત હતો. આ પ્રકારના ગુના માટે અગાઉ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બન્નેની સજાની જોગવાઈ હતી જ્યારે બીજી અને ત્યારબાદની દરેક સજા માટે ઓછામાં ઓછા એક વર્ષની કેદની જોગવાઈ હતી. અગાઉના કાયદામાં વંદે માતરમ્ને રાષ્ટ્રગાન જેટલું કાનૂની રક્ષણ આપવામાં આવ્યું ન હતું.
આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૂચના આપી હતી કે જ્યારે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બન્ને એકસાથે વગાડવામાં આવે ત્યારે વંદે માતરમ્નાં તમામ છ અંતરા પ્રથમ ગાવામાં આવે. 28 જાન્યુઆરીના
એક આદેશમાં ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગાનનાં ગાન માટે પ્રોટોકોલનો પ્રથમ સેટ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે વંદે માતરમ્નાં છ અંતરા, જેનો સમયગાળો આશરે 3 મિનિટ અને 10 સેકન્ડ
છે, રાષ્ટ્રપતિના આગમન, રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમ અને રાજ્યપાલોના સંબોધન જેવા સત્તાવાર સમારોહોમાં ગાવામાં આવશે.