• શુક્રવાર, 24 જુલાઈ, 2026

પેપર લીક દોષીને ઝડપી સજા માટે ફાસ્ટટ્રેક કોર્ટ બનશે

સીજેપીનાં ઉગ્ર બનેલાં આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીનું એલાન યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારને છોડાશે નહીં

નવી દિલ્હી, તા. 23 દેશના યુવાનોનાં કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્ત્વનું કંઇ નથી, તેવું ભારપૂર્વક કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીટ પેપર લીક જેવા મામલાઓમાં દોષીઓને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટ રચવાનું એલાન કર્યું હતું.

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવકાર છાત્રોનાં ઉગ્ર બનેલાં આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે એવો વિશ્વાસ આપ્યો હતો કે, દેશના યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારાં તત્ત્વોને છોડાશે નહીં.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશના યુવાનોનું હિત અને ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, ફાસ્ટટ્રેક અદાલતોના સંબંધમાં સરકારે તમામ સંબંધિત સત્તાધીશ સંસ્થાઓ, અધિકારીઓને તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપી દેવાયો છે.

મોદીએ પગલાંને વિદ્યાર્થીઓનાં હિતમાં સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંઓની શ્રેણીની એક કડી લેખાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટટ્રેક અદાલતો ઊભી કરવાનો ફેંસલો છાત્રહિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા સતત જારી કોશિશોનો એક ભાગ છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટનાં માધ્યમથી કરેલી ઘોષણાને છાત્રો માટે એક રાહતભર્યા સમાચાર રૂપે જોવાઇ રહી છે.

વડાપ્રધાન મોદીની ફાસ્ટટ્રેક કોર્ટની પહેલની પ્રતિક્રિયા આપતાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પગલાંથી ભારતમાં પ્રતિભાઓ સાથે ન્યાય થશે.

દેશમાં અત્યાર સુધી પેપર લીક મામલાની સુનાવણી સામાન્ય અદાલતોમાં થતી રહી છે, જેનાં કારણે ફેંસલો આવવામાં ઘણાં વર્ષો લાગી જાય છે.

ભારતમાં ફાસ્ટટ્રેક કોર્ટની શરૂઆત 11માં નાણાંપંચની ભલામણ પર  2000નાં વર્ષમાં થઇ હતી. ફાસ્ટટ્રેક અદાલતોમાં દુષ્કર્મ અને પોકસોના 3.06 લાખથી વધુ મામલાઓના ફેંસલા 2019થી 2025 વચ્ચે આવી ગયા હતા.

ફાસ્ટટ્રેક અદાલતોમાં મામલાઓના ઝડપી નિકાલ, નિર્ણયનો દર 96.28 ટકા છે. આમ, મોટા ભાગે કેસોનો ઝડપી નિકાલ આવે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક