• શુક્રવાર, 24 જુલાઈ, 2026

જસદણ પાસે સુટકેસમાંથી માનવકંકાલ મળ્યું : હત્યાની આશંકા

જસદણ,તા 23: જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કાંઠેથી એક બંધ સુટકેસમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સૂટકેસમાંથી માનવ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઇ હોવાની શંકા ઉપજી છે.  પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બંધ હાલતમાં બિનવારસી સૂટકેસ પડી હોવાની સ્થાનિક લોકોને જાણ થઇ હતી. સ્થાનીકોએ શંકાસ્પદ સુટકેસ અંગે તત્કાલ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની હાજરીમાં સુટકેસ ખોલીને જોતા અંદરથી અત્યંત કોહવાયેલી અને હાડાપિંજર જેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આટકોટ પોલીસ ઉપરાંત અન્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી, મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક કોણ છે, તેની હત્યા ક્યાં અને ક્યાં કારણોસર કરવામાં આવી છે તથા મૃતદેહને અહી કોણ ફેંકી ગયું છે તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક