વિઝા નહિ મળતા નાણા પરત માંગ્યા ત્યારે મહિલાએ ગલ્લા તલ્લા કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.23: દહેગામ તાલુકાના પાલૈયા ગામના 26 વર્ષીય ખેડૂત યુવકને કેનેડાના સ્ટુડન્ટ વિઝા
અપાવવાની લાલચ આપી રૂ. 24.92 લાખની છેતરાપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. ભણવા અર્થે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા યુવક પાસેથી વિઝા પ્રક્રિયાના નામે
ઓનલાઈન ટ્રાન્સફર અને રોકડ સ્વરૂપે લાખો રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા. એજન્ટે વિશ્વાસ
કેળવવા માટે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને કેનેડાની બેન્ક તથા યુનિવર્સિટીના બોગસ
ઓફર લેટર પણ મોકલ્યા હતા. પરંતુ બાદમાં તપાસ કરતા આ તમામ દસ્તાવેજો નકલી હોવાનું ખૂલતાં
છેતરાપિંડીનો ભોગ બનેલા યુવકે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ
અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાલૈયા ગામના કૃણાલ પટેલ નામના યુવકે ચાર વર્ષ અગાઉ કેનેડા
જવાની ઈચ્છા વ્યક્ત કરતા બોપલમાં બી. આર. કન્સલ્ટન્સી ધરાવતા ભુમિકાબેન નામની મહિલા
એજન્ટ સાથે સંપર્ક થયો હતો. મહિલા એજન્ટે અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. 24.92 લાખ મેળવી
લીધા બાદ પણ વિઝા ન અપાવી નકલી લેટરો આપ્યા હતા. બાદમાં પૈસા પરત આપવાનું બીજું સોગંદનામું
કરવા છતાં નિયત મુદત પૂર્ણ થયા પછી પણ રકમ પરત ન આપતાં આખરે દહેગામ પોલીસે મહિલા એજન્ટ
વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.