• ગુરુવાર, 23 જુલાઈ, 2026

સામાન્ય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી : ચીનને જયશંકરનો સ્પષ્ટ સંદેશ

મનીલામાં ચીની વિદેશ મંત્રી સાથેની મુલાકાતમાં જયશંકરે વ્યાપાર અસંતુલન, ચીની બજારમાં પહોંચ વગેરે મુદ્દા ઉઠાવ્યા

નવી દિલ્હી, તા. 22 : ભારત અને ચીન વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાની કોશિશ ચાલી રહી છે, આ દરમિયાન ભારતે ફરી એક વખત સાફ કહ્યું છે કે જ્યાં સુધી સરહદે પૂરી રીતે શાંતિ અને સ્થિરતા સ્થાપિત ન થાય ત્યાં સુધી બન્ને દેશ વચ્ચેના સંબંધોને સામાન્ય માની શકાય નહીં. વિદેશ મંત્રી એસ જયશંકરે ફિલિપિન્સની રાજધાની મનીલામાં પૂર્વી એશિયા શિખર સંમેલન અને આસિયાન ક્ષેત્રીય મંચની બેઠકો દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સરહદ વિવાદ, વ્યાપાર, સપ્લાય ચેન અને બન્ને દેશ વચ્ચે સહયોગ સહિતના મહત્ત્વના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

બેઠકની શરૂઆતમાં જ ડો. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે એક સ્થિર અને સહયોગનો સંબંધ ત્યારે બની શકે છે જ્યારે પરસ્પર સન્માન, પરસ્પરનાં હિત અને સંવેદનશીલતાને મહત્ત્વ આપવામાં આવે અને આધાર બનાવવામાં આવે. જયશંકરે સૌથી મહત્ત્વની વાત સરહદે શાંતિને લઈને કરી હતી. જેમાં કહ્યું હતું કે, સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા ભારત-ચીનના સામાન્ય સંબંધોની પહેલી અને સૌથી જરૂરી શરત છે. વિદેશ મંત્રીએ આગળ કહ્યું હતું કે, ઓક્ટોબર 2024થી બન્ને દેશે આ દિશામાં ઘણાં પગલાં ભર્યાં છે અને હજી કોશિશ ચાલી રહી છે.

વિદેશ મંત્રીએ પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ વચ્ચે બનેલી સહમતીને દોહરાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બન્ને દેશોના મતભેદ વિવાદનું રૂપ લેવા જોઈએ નહીં. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ચીન બન્ને મોટા દેશ છે અને પાડોશી છે. તેવામાં બન્નેના પોતપોતાના હિત અને પ્રાથમિકતા હોવી સામાન્ય બાબત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક