ભાવમાં અચાનક 15 ટકાનો ઉછાળો : ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસો.એ કહ્યું, પૂરતો જથ્થો ઉપલબ્ધ
નવી
દિલ્હી, તા. 23 : છેલ્લા એક મહિનામાં ખાંડના એક્સ-ફેક્ટરી ભાવમાં લગભગ 15 ટકાનો ઉછાળો
આવ્યો છે, જેનાથી બજારમાં સંભવિત અછત અંગે ચિંતા ઊભી થઈ છે. જો કે, ઓલ ઈન્ડિયા સુગર
ટ્રેડ એસો. (એઆઈએસટીએ)એ કહ્યું હતું કે, દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ખાંડનો
પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
એક
મીડિયા હેવાલ મુજબ, દેશમાં ખાંડની અછત અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે એઆઈએસટીએના અધ્યક્ષ
પ્રફુલ વિઠલાનીએ સ્પષ્ટ કર્યું હતું કે, આવી આશંકાઓનો કોઈ આધાર નથી. એસોસિએશને સ્વીકાર્યું
હતું કે, એક મહિનાથી પણ ઓછા સમયમાં ખાંડના એક્સ-ફેક્ટરી ભાવમાં લગભગ 15 ટકાનો વધારો
થયો છે. જો કે, તેનો અર્થ એ નથી કે, દેશમાં ખાંડના પુરવઠાની અછત છે. ખાંડના ભાવમાં
તાજેતરમાં થયેલા વધારાને પગલે બજારમાં પુરવઠા અંગેની ચિંતાઓ વધી હતી. પોતાના 700 સંલગ્ન
સભ્યો અને સંસ્થાઓને મોકલેલા સંદેશમાં એઆઈએસટીએએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન સુગર એન્ડ
બાયો-એનર્જી મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝએ
17 જુલાઈએ સંયુક્ત રીતે સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે
ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.