નવી દિલ્હી, તા.22 ઃ આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બેંચ પર બેસી રહેનાર ટીમ ઇન્ડિયાનો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ પહેલીવાર ઇંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમશે. તે યોર્કશાયર ટીમનું પ્રતિનિધિત્વ કરશે. કુલદીપ યાદવ 24 જુલાઇથી 2 ઓગસ્ટ દરમિયાન યોર્કશાયર તરફથી પાંચ વન ડે મેચ રમશે. આ પછી સપ્ટેમ્બરમાં સીઝનના ત્રણ આખરી કાઉન્ટિ મેચ રમશે. ઓગસ્ટમાં ભારતીય ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટની શ્રેણી રમવાની છે. આ પ્રવાસમાં કુલદીપની પસંદગી લગભગ નિશ્ચિત છે. આથી તેણે યોર્કશાયર સાથે બે તબક્કામાં મેચ રમવાનો કરાર કર્યો છે. યોર્કશાયર તરફથી અગાઉ ભારતના સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, ચેતેશ્વર પુજારા અને મયંક અગ્રવાલ રમી ચૂકયા છે. કુલદીપ પાંચમો ખેલાડી બન્યો છે.