• ગુરુવાર, 16 જુલાઈ, 2026

કાણકિયા ગામના પોસ્ટ માસ્ટર ગરીબોની મજૂરીના લાખો રૂપિયા લઈ ફરાર

ડોળાસા, તા.15: ગિર ગઢડા તાલુકાના કાણકિયા ગામે માત્ર ત્રણ મહિના પહેલા નિમણૂક પામેલા પોસ્ટ માસ્ટર દેવાતભાઈ ગાવિંદભાઇ રામ (રહે. આમળાશ, તા. તાલાળા) ગામના નિર્દોષ લોકોની બચત મૂડી ઓળવી જઈને રફુચક્કર થઈ ગયા છે. વધુ વ્યાજ અને સ્થાનિક સ્તરે જ સુવિધા આપવાની લાલચ આપીને તેમણે કાણકિયા પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવાની ઝુંબેશ શરૂ કરી હતી અને સાત ગ્રામજનો પાસેથી કુલ 7,93,000ની માતબર રકમ ઉઘરાવી લીધી હતી. લાંબો સમય સુધી પાસબુક કે રસીદ ન મળતા લોકોએ ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાન શાળામાં આધાર કાર્ડની કામગીરી માટે આવેલા ઉના પોસ્ટ ઓફિસના અધિકારીને આ ગેરરીતિની ગંધ આવી જતાં તેમણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોતાની ચોરી પકડાઈ જતાં દેવાતભાઈએ ખાતેદારોને તા. 6 જુલાઈના એસ.બી.આઈ. ઇણાજ શાખાના ચેક આપીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ચેક બેંકમાં રિટર્ન થતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. હાલ જૂનાગઢ પોસ્ટ ઓફિસના સબ ડિવિઝન ઇન્સ્પેકટરે ગામની મુલાકાત લઈ તમામ ખાતેદારોના લેખિત નિવેદન નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉચાપત કૌભાંડમાં સૌથી મોટો ભોગ મજૂરી કરતા 50 વર્ષીય લાલજીભાઈ બચુભાઈ કાનાણી બન્યા છે, જેમણે પોતાની પાછલી જિંદગીના ગુજારા માટે રાત-દિવસ એક કરીને બેંકમાં બચાવેલી મરણ મૂડીના 3,00,500 પોસ્ટ માસ્ટરના વિશ્વાસે આવીને ગુમાવી દીધા છે. લાલજીભાઈ ઉપરાંત છેતરાયેલા અન્ય થાપણદારોમાં મેઘનાથી પ્રભાતગીરી કેશરગીરી 1,30,000,ભારતીબેન વનુભાઈ વનરા 1,30,000, રણછોડભાઈ વશરામભાઈ જાદવ 1,00,000, રામુ ભગવાનભાઇ નાગાભાઇ 50,000, રમેશભાઈ રામભાઈ લાખનોત્રા 50,000 અને અજયભાઇ બાબુભાઇ રામ 32,300 નો સમાવેશ થાય છે. આ તમામ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાયા છે અને વહેલી તકે પોતાના નાણાં પાછા મેળવવા માટે તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક