કફસિરપ, ટોનિકનો નશા માટે દુરુપયોગ રોકવા કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો
નવી દિલ્હી, તા. 10 : કેન્દ્ર સરકારે 12 ટકાથી વધુ આલ્કોહોલ હોય તેવી દવાઓના તબીબી પ્રિક્રિપ્શન વિના વેચાણ પર રોક મૂકી દીધી છે. દવાઓનો ખોટો ઉપયોગ રોકવા માટે સરકારે 1945ના ડ્રગ્સ કાયદામાં બદલાવ કર્યો છે.
જે દવાઓમાં એથિલ આલ્કોહોલનું પ્રમાણ 12 ટકાથી વધુ છે અને જે 30 મિલિ લિટરથી મોટી બોટલમાં વેચાય છે, તેવી દવાઓને શેડયુલ એચવન શ્રેણીમાં સામેલ કરાઈ છે. સરકારે તમામ મેડિકલ સ્ટોર્સને આવી દવાઓના વેચાણનું રેકર્ડ એક અલગ રજિસ્ટરમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
બજારમાં મળતી અનેક કફસિરપ અને ટોનિકની દવાઓમાં આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધુ હોય છે. તબીબી લખાણ વગર મળી જતી આવી દવાઓનો ઉપયોગ ઘણા લોકો નશા માટે કરે છે. આવો દુરુપયોગ રોકવાના હેતુ સાથે દેશની સરકારે આ કડક પગલું લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. દવાઓના દુરુપયોગની વધતી ચિંતાને ધ્યાને લેતાં ડ્રગ્સ સલાહકાર સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડ દ્વારા સમીક્ષા કરાઈ હતી. સરકારે આ નિયામક સમિતિઓની ભલામણ બાદ કાયદામાં સુધારો કરતાં 12 ટકાથી વધારે આલ્કોહલવાળી દવાઓનાં વેચાણ પર આવું નિયંત્રણ મૂક્યું છે.