• શનિવાર, 11 જુલાઈ, 2026

બોટાદમાં મોબાઇલ રિક્વેસ્ટના વિવાદમાં યુવકની હત્યા : બે ઘાયલ

બોટાદ, તા.10: બોટાદ શહેરમાં ખસ રોડ પર મોબાઇલમાં રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ચાલી રહેલા વિવાદના સમાધાન માટે એક બેઠક મળી હતી. આ ચર્ચા દરમિયાન મામલો ઉગ્ર બનતા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર ઇજાઓ થવાને કારણે એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો લોહીલુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ લોહિયાળ બનાવ અંગે સત્યરાજભાઈ વલકુભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર સિદ્ધરાજભાઈ અને ખસ ગામના શક્તાસિંહ દાયમા વચ્ચે રિક્વેસ્ટ મોકલવા બાબતે વિવાદ હતો. આ મુદ્દે સમાધાન કરવા માટે ફરિયાદી સત્યરાજભાઈ, હરપાલભાઈ ખાચર અને અક્ષયભાઈ ખાચર ખસ રોડ પર ગયા હતા, જ્યાં શક્તાસિંહ અને તેના સાથીદારોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજા પામેલા હરપાલભાઈ ખાચરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અક્ષયભાઈને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા છે. બોટાદ પોલીસે આ મામલે શક્તાસિંહ દાયમા સહિત પાંચ શખસ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક