• મંગળવાર, 30 જૂન, 2026

ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 29: જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતા રાજ્યમાંથી વરસાદ ગાયબ છે. જો કે, 2 જુલાઈ બાદ રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા 2થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગાજવીજ સાથે ભારે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ-ત્રણ મજબૂત સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદ પંથકમાં વરસાદની સંભાવના છે, જ્યારે પાટણ, અરવલ્લી અને પંચમહાલમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળશે. હાલમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ વરસાદી રાઉન્ડ શરૂ થતાં લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન જોઇએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 40.5 નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં 39.6, બરોડામાં 38.2, ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39.4, સુરતમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક