• મંગળવાર, 30 જૂન, 2026

ભાવનગર અને જસદણના કેટલાક લોકો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ઉભી કરી દેવાઈ

કરોડોના બોગસ બાલિંગ કૌભાંડ સંદર્ભે 20થી વધુ સ્થળે રાજ્ય વેરા વિભાગના દરોડામાં બોગસ પેઢીઓ દ્વારા આઈટીસી ફ્રોડનો ખુલાસો

5 પેઢીઓની મિલકતો ટાંચમાં, કરોડોની કરચોરીનો પર્દાફાશ; સૂત્રધારો ફરાર થતાં તપાસ વધુ તેજ

જામનગર, તા.29 : જામનગર શહેરમાં કરોડો રૂપિયાના બોગસ બાલિંગ અને જીએસટી કરચોરીના વિશાળ નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. એકસાથે 20થી વધુ સ્થળોએ દરોડા પાડીને વિભાગે આખા શહેરના વેપારી વર્ગમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આ કાર્યવાહી બાદ અનેક વેપારીઓમાં ભયનો માહોલ છે અને કેટલાક મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા છે.

જીએસટી વિભાગે આ કૌભાંડમાં સંડોવાયેલી પાંચ પેઢીઓ સામે કડક પગલાં લીધા છે. જેમાં દેવ ઇમ્પેક્ષના પ્રફુલ્લ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિધમ મેટલના રાહુલ નાગજી વસોયાની માલિકીનો ઔદ્યોગિક શેડ જપ્ત કરાયો છે. શ્રીરામ મેટલના હાર્દિક ઓધવજી ગઢીયાની દરેડ શિવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી અંદાજે 1 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે અને આરોપી હાલ ફરાર છે. એન્જલ એન્ટરપ્રાઇઝના સુરેશ વસોયાની ચંદ્રાગા ગામમાં આવેલી વાડી તેમજ મકાન જપ્ત કરવામાં આવ્યા છે. ખોડલ એન્ટરપ્રાઇઝના મયંક જેંતીલાલ ગઢિયાની મિલકતો અંગે હાલ જીએસટી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. બોગસ બાલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં સુરેશ વસોયા અને હાર્દિક ઓધવજી ગઢીયા સામેલ છે. આ ઉપરાંત જીએસટી વિભાગ દ્વારા તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભાવનગર અને જસદણના કેટલાક લોકો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ પેઢીઓ મારફતે ગેરકાયદે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને મોટાપાયે        નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હતી. આ નેટવર્ક લાંબા સમયથી સક્રિય હોવાનું અનુમાન છે. હવે જીએસટી વિભાગ એ પણ તપાસી રહ્યો છે કે આ કૌભાંડમાં સ્થાનિક વેપારીઓ અથવા અન્ય કોની મદદ લેવામાં આવી હતી. મુખ્ય સૂત્રધારોમાં કેટલાક લોકો ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક