શહેરમાં 20 ઈલેકિટ્રક થાંભલા, બે મોબાઈલ ટાવર, 13 ઝાડ, એલીવેશન કાચ, સોલાર પેનલો, મંડપો તૂટી પડયા : શહેરના 75 ટકા વિસ્તારમાં અંધારપટ : ઈન્ટરનેટ સેવા ઠપ, કેબલ ટીવી બંધ
જામનગર
તા.19: જામનગરમાં આજે બપેરે ત્રણ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સાડા ત્રણ
વાગ્યા પછી જામનગર, કાલાવડ તાલુકામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાયેલો પવન
જોતજોતામાં 77 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે આંધીનું
તોફાન છવાતા ચારેબાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તોફાની પવનને કારણે શહેરની વીજળી,
ટીવી કેબલ અને ઈન્ટરનેટ કેબલ સેવા ઠપ થઈ ગઈ હતી.
શહેરમાં
વરસાદના તો ફકત છાંટા જ પડયા હતા પરંતુ ચીફ ફાયર ઓફીસર બિશ્નોયના જણાવ્યા પ્રમાણે
33થી વધુ ફરિયાદો મળી હતી. જેમાં ઝાડ પડી જવાની 28, 1 સોલાર પેનલ પડવાની, બે બિલ્ડીંગ ઉપરના મોબાઈલ ટાવર પડવાની ફરિયાદો મળી
હતી અને જેના માટે ફાયર, એસ્ટેટ તથા ગાર્ડન શાખાનો મળી 100 કર્મીનો સ્ટાફ ફાયરની ગાડીઓ,
કટર મશીન, ટ્રેકટરો વિગેરે સાધનો સાથે કામે વળગ્યો હતો અને બંધ થયેલા રસ્તાઓ ઉપરના
ઝાડ કટીંગ કરી, સાઈડમાં લઈ જોખમી સોલાર પેનલો, મોબાઈલ ટાવરને દૂર કરવાની કાર્યવાહી
કરવામાં આવી હતી.
આ ઉપરાંત
શહેરી વિસ્તારમાં થાંભલાઓ અને લાઈનો તૂટવાની ઘટના બની છે. જેમાં જામનગરના 26 ડિવીઝન
વિસ્તારમાં 56 ટીમો અને 26 કોન્ટ્રાકટરોને કામે લગાડવામાં આવ્યા છે. જેઓ લાઈનો ચેક
કરી કલીયરન્સ આપતા જશે તેમ શહેરમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે. જો કે, વાવાઝોડાના
કલાક પછી શહેરના નવાગામ, હોસ્પિટલ, પાંચ બંગલા અને જૂના જામનગરના અંદરના વિસ્તારોમાં
વીજ પ્રવાહ પુન: સ્થાપિત કરી દેવામાં આવ્યો હતો. આજે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને
કારણે જામનગર, લાલપુર, કાલાવડ તાલુકાના વિસ્તારોમાં કરા અને વરસાદના અહેવાલો મળી રહ્યા
છે.
જામનગર
જિલ્લા કલેકટર કેતન ઠકકરના જણાવ્યા અનુસાર આજે ફૂંકાયેલા ભારે પવનને કારણે કોઈપણ પ્રકારની
જાનહાની થઈ નથી. મ્યુનિ.કમિશનર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા સુધીમાં
50 ટકા ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. બાકીની ફરિયાદો પણ ટૂંકા ગાળામાં નિકાલ
કરી દેવામાં આવશે.