2 સિલિન્ડર બ્લાસ્ટ થતા મચી અફરાતફરી : 11 લોકોને સારવારમાં ખસેડાયા
સુરત,
તા.19: સુરતના વરાછા-કપોદ્રા વિસ્તારમાં આવેલા મરૂતિ ચોક નજીક ભરતનગરના એક ગ્રાઉન્ડ
પ્લસ ત્રણ માળના એમ્બ્રોડરીના કારખાનામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.
એક બાદ એક બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ
થતા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાંથી 2
યુવાનના મૃત્યુ નિપજ્યા હતા.
ભરત
નગર શેરી નં-2ના એમ્બ્રોડરી અને સિલાઈ કામના કારખામાં શોર્ટ સર્કિટ થતાં ઘરમાં રાખેલા
કપડામાં આગ લાગતા સિલિન્ડરોમાં બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થવાના લીધે આગ વધુ
વિકરાળ બની હતી. બનાવ અંગે જાણ થતા જ કાપોદ્રા, સરથાણા, અશ્વનીકુમાર, ડુંભાલ, અને માન
દરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ફાયર
વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડી કુલ 13 લોકોનું રેસ્ક્યૂ
કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાંથી 2 યુવાન હનારામ(ઉં.25) અને
ઈબારામ(ઉં.36)ના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે બાકીના 11 લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક
સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 8સિલિન્ડર મળી
આવ્યા હતા. જેમાંથી 2 સિલિન્ડર ફાટયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વરાછા
પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.