• શુક્રવાર, 20 માર્ચ, 2026

શેર બજારમાં 21 મહિનાનો સૌથી મોટો કડાકો

રોકાણકારોના 11.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ : સેંસેક્સ 2496.89 અને નિફ્ટી 775.95 અંક તૂટયા

 

નવી દિલ્હી, તા. 19: ભારતીય શેર બજારમાં ગુરૂવારે 19 માર્ચના રોજ જોરદાર કડાકો આવ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી એક જ દિવસમાં ત્રણ ટકાથી વધારે તુટયા હતા. ક્રૂડની કિંમતમાં ઉછાળો અને કમજોર વૈશ્વિક સંકેતોની વચ્ચે બજારમાં વેચવાલી જોવા મળી હતી. કારોબારના અંતમાં સેંસેક્સ 3.26 ટકા એટલે કે 2496.89 અંક તુટીને 74.207.24 અને નિફ્ટી 775.95 અંક તૂટીને 23,002.15ના સ્તરે આવી ગયા હતા. આ સાથે નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 2000 અંક તૂટયો હતો. આ છેલ્લા 21 મહિના એટલે કે જૂન 2024 બાદથી નિફ્ટી 50નો સૌથી મોટો કડાકો માનવામાં આવે છે. જેનાથી ગુરૂવારે 11.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

બજારમાં ગુરુવારે ચારેતરફ ધોવાણ જોવા મળ્યું હતું. નિફ્ટીના તમામ 16 સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ રંગમાં બંધ થયા હતા. સૌથી વધારે દબાણ બેંકિંગ અને ફાઈનાન્શિયલ શેર ઉપર રહ્યું હતું. આ ઘટાડામાં એચડીએફસીનું મોટું યોગદાન રહ્યું હતું. જેના શેરમાં વેચાણે પૂરા બેકિંગ સેક્ટરને નીચે ખેંચ્યું હતું જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેર પણ બચ્યા નહોતા. બન્ને 2-2 ટકા તુટયા હતા. બજારમાં કડાકાનું સૌથી મોટુ કારણ ક્રુડની કિંમતમાં તેજી હતી.બ્રેંટ ક્રૂડ ફરીથી 120 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. મિડલ ઈસ્ટમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર થયેલા હુમલાના કારણે ઓઈલ અને ગેસની સપ્લાઈની ચિંતા વધી છે. વિદેશી બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. જેની અસર ભારતીય શેર માર્કેટ ઉપર થઈ હતી.

ગુરુવારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મુડી ઘટીને 427.38 લાખ કરોડે પહોંચી હતી. જે ગત કારોબારી દિવસે 439 લાખ કરોડ રૂપિયા હતી. આમ રોકાણકારોની સંપત્તિમાં 11.62 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. શેર બજારમાં મંદી એટલી ભારે હતી કે સેંસેક્સમાં સામેલ તમામ 30 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈમાં કુલ 4404 શેરમાં કારોબાર થયો હતો. જેમાંથી 1070 શેરમાં તેજી અને 3174 શેરમાં મંદી રહી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક