• ગુરુવાર, 19 માર્ચ, 2026

ખેડૂતો પર આફતના વાદળ : અમરેલી અને જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું વરસ્યું

જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ, ડુંગળી સહિત અનેક તૈયાર પાકો પર કમોસમી વરસાદથી નુકસાની ભીતિ

ખેતી ખર્ચ વધ્યો અને બજાર ભાવમાં અનિશ્ચિતતા વચ્ચે હવે સતત વરસતા માવઠાએ ખેડૂતોના જીવ અદ્ધર કર્યા

 

રાજકોટ, તા.18: છેલ્લા કેટલાક સમયથી ખેતી ખર્ચ વધતા અને પાકના બજાર ભાવમાં અનિશ્ચિતતા રહેતી હોવાથી ખેડૂત ચિંતિત છે. એવામાં છેલ્લા કેટલાક સમયથી માવઠારુપી આફત આકાશમાંથી વરસતા ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગત ચોમાસામાં પણ પાછોતરા વરસાદે તૈયાર પાક પર પાણી ફેરવી દીધી હતું. અને ખેડૂતોને શિયાળુ પાકમાં સારી આવકની આશા બંધાણી હતી ત્યા ફરી ખેતરમાં તૈયાપ પાક છે અને કમોસમી વરસાદી સંકટ આવીને ઉભું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને જામનગરના લાલપુર પંથક અને અમરેલીના વડિયા-બગસરા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ક્યાંક પવન સાથે વરસાદ તો ક્યાંક કરા પડવાના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ, ડુંગળી સહિત અનેક તૈયાર પાકો પર વરસાદી છાંટાથી નુકસાની થવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. પડયા પર પાટુ સમાન આ સ્થિતિમાં મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં સવારથી કાળઝાળ ગરમીની વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જે બાદ જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને લાલપુરના અપિયા, બાબરઝાર, તેભડા અને ગોવાના જેવા ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. તોફાની વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

અમરેલી : ઉનાળાની શરૂઆત થયાની વચ્ચે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. વડીયા શહેરમાં આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ગતિએ વરસાદ વરસ્યો હતો. ઉનાળુ પાક તૈયાર થયેલા ચણા, ધાણા અને ઘઉંના પાક પર આ કમોસમી વરસાદ નુકસાન કારક સાબિત થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ પાક કાપણી માટે તૈયાર સ્થિતિમાં છે. ત્યારે વરસાદી છાંટા પડવાથી પાકની ગુણવત્તા બગડવાની અને ઉપજમાં ઘટાડો થવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને ધાણા અને ચણાના પાકને વધુ નુકસાન થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી ખેતી ખર્ચ વધતા અને બજાર ભાવમાં અનિશ્ચિતતા વચ્ચે હવે કમોસમી વરસાદે ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી કરી છે. 

બગસરા : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ પવન અને કરા સાથે વરસાદ તૂટી પડયો હતો. આ માવઠાને કારણે બગસરાના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળતા ખેતીકામમાં રોકાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં જેવા શિયાળુ પાકોને આ વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

બોકસ . . . .

આજે અને કાલે આ જિલ્લામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગિર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક