• શુક્રવાર, 20 માર્ચ, 2026

આકાશી આફત : આકરા તાપને બદલે વરસ્યા કરા

રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી પંથકમાં પવનના સુસવાટા અને વીજળીના ગડગડાટથી લોકોમાં ભયનો માહોલ

 

રાજકોટ તા.19: સૌરાષ્ટ્ર સહિત આજે ગુજરાભરમાં ચૈત્રના આરંભે અષાઢી માહોલ સર્જાયો હતો. આગાહી મુજબ આકાશમાંથી આફત વરસી હોય એમ માવાઠરુપી કરાનો વરસાદ વરસ્યો હતો. અને સાથે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનના કારણે ભારે તારાજી સર્જાઇ છે. આજે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પલટો આળ્યો હતો અને ભર બપોરે ડરામણી રાત્રી જેવું વાતાવરણ થયું હતું. રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી પંથકમાં પવનના સુસવાટા અને વીજળીના ગડગડાટથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષ, વીજપોલ, હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા હતા, તો ઘણી જગ્યાએ ઘર ઉપરના પતરા અને સોલાર પેનલ ઉડી ગઇ હતી. વીજપોલ ધરાશાયી થવાથી અનેક જગ્યાએ અંધારપટ છવાયો છે તો વૃક્ષ પડી જવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ ઉપલેટાના પ્રાસલા ગામે વીજળી પડવાથી એક મહિલા સહિત 3ને ઇજા થઇ છે. તેમજ પાલીતાણામાં વૃક્ષની ડાળી આધેડ પર પડતા તેનું મૃત્યુ થયું છે. રાજ્યના 72 તાલુકામાં 1 મિમિથી લઈ 41 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરા અને રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. હાલ રવિ પાકની સીઝન તેના અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણા જેવા કિંમતી પાક કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેતરોમાં પાકના પાથરા વિખાઈ ગયા છે, જેના કારણે ધાન્યની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ સજાયે તો જાયે કહાં’ જેવી લાચારી અનુભવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધારું છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. શહેરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. માર્કેટીંગ યાર્ડમાં પ્લેટફોર્મ પર રાખેલી વેપારીની મગફળી તણાઈ હતી.

ખંભાળિયા : જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, જેમાં ખૂબ જ તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. પવનના સૂસવાટાની સાથે વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ પણ પડ્યો હતો.

જામજોધપુર : બપોર બાદ અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો

ઘેરાયા હતા.

કાલાવડ: ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થતા ઠંડક પ્રસરી ગઇ હતી.

મોટીમારડ: બપોર બાદ 4થી 5 વાગ્યા સુધીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘઉંના ઢગલા અને છેલ્લી વીણીના કપાસને ભારે નુકશાન થયું છે.

ગોંડલ : બપોર બાદ હવામાન પલટાતા વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો ઘરમા પુરાયા હતા. વાવાઝોડાને કારણે શહેરમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. મોટા હોર્ડીંગનાં લીરા ઉડ્યા હતા. કોલેજ ચોકમાં મધુરમ પાન ઉપર આવેલુ હોર્ડીંગ ધરાશાયી થયું હતુ. પતરા કાગળની માફક ઉડયા હતા. બસ સ્ટેન્ડમાં તાતિંગ વૃક્ષ ધરાશાયી થતા સર્વિસ સ્ટેશન તથા ઓરડી સહિતનો ભાગ તુટી પડ્યો હતો. લીલાખા-સુલતાનપુર રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેથી ફોરેસ્ટ વિભાગની ટીમે જેસીબી દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી તેમજ તુલસી બાગના દરવાજા પર વિજપોલ અને વૃક્ષ ધરાશાયી થતા બગીચામાં જવાનો રસ્તો અવરોધાયો હતો.

ધોરાજી: આજરોજ સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ શરૂ થયો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે શહેરમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. શિયાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે.

ઉપલેટા : આજે બપોર બાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યા બાદ ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાંજના 4:15થી શરૂ થયેલો વરસાદ શહેરમાં 17 મીમી નોંધાયો છે. ખેતરમાં ઉભા ઘઉં, એરંડા, ચણા સહિતના પાકમાં નુકસાન થયું છે. પ્રાસલા ગામે વીજળી પડતા રમાબેન રાણાભાઇ ચૌહાણને ગંભીર ઇજા થતા જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે પુત્રોને સામાન્ય ઈજા  થઇ છે. 

વડિયા : સતત બીજા દિવસે બપોર બાદ મીની વાવાઝોડા સાથે માવઠાનો માર જોવા મળ્યો હતો. ઘઉં, ચણા, ધાણા, ડુંગળી, કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે.  ભારે પવન ફૂંકાતા વીજળી પણ ગુલ થઇ હતી. માવઠાથી ઈંટો પકવતા લોકોને નુકસાન થયું છે.

ધ્રોલ : આજે સાંજે ચાર કલાકે જોરદાર પવનની સાથે વરસાદ વરસતા ગાંધી ચોકમાં હાર્ડિંગ તેમજ હાઈવે પર કૃષ્ણ નગરમાં વીજપોલ ધરાશાયી થયા હતા.

ધારી : સાંજના 5.30 કલાકથી વીજળીના કડાકા અને ભડાકા તેમજ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજુબાજુના દલખાણીયા, ખીચા, દેવળા, કૂબડા, ગાવિંદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગઢડા: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે અચાનક વાતવરણ પલટાયું હતું. આ વાતાવરણના પગલે ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડાનો અનુભવ લોકોએ કર્યો હતો.  અચાનક વીજળી ગૂલ થઈ જતા લોકોએ અંધારપટનો અનુભવ કર્યો હતા. ઉગામેડી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

વીરપુર : વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભરબપોરે રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો થયો છે.

લાઠી : આજે ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું તેમજ અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં લાઠી પંથકમાં ભારે પવન અને કમોસમી વરસાદની શક્યતા છે.

સાવરકુંડલા : આજે બપોરે શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જોરદાર પવન સાથે ધૂળની આંધી ઊડી અને છૂટો-છવાયો વરસાદ પડ્યો. આ પવનની અસરથી બસ સ્ટેન્ડ પાસે ઊભેલા પીકઅપ વાહનના બે પાલા (તંબુ) ઉડીને ધરાશાયી થયા હતા.

લીલાખા: લીલાખા પંથકમાં જીરુ, ધાણા, ચણા, ઘઉં, લસણ, ડુંગળી, મરચાના પાકનો પાક ખેતરમાં તૈયાર છે ત્યારે માવઠું વરસતા જગતાતના મોઢે આવેલો કાળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

અમરેલી: બીજા દિવસે બગસરા, બાબરા સહિતના પંથકોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. અનેક વિસ્તારોમાં તૈયાર પાકોને નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે, જ્યારે અમરેલી શહેરમાં ધૂળના વાવાઝોડા અને ઝાપટાથી જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે સમગ્ર અમરેલી શહેરમાં વીજળી ગુલ થઈ જવા પામતાં અંધારપટ છવાયો છે. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ચલાલા: શહેર અને વિસ્તારમાં ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુસવાટા મારતા પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજળી ગુલ થતા શહેરમાં અંધકાર છવાઈ ગયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની બૂમ ઉઠી હતી અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

જામકંડોરણા : બપોર બાદ વાતાવરણમા પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બસ સ્ટેશનમા વૃક્ષ ધરાશાયી થતા ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો હતો.

વાંકાનેર : શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ચાર વાગ્યે અચાનક વાતાવરણ બદલાયું હતું. ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને કરાનો વરસાદ વરસ્યો હતો.

ગારીયાધાર : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે 5:45 કલાકે એકાએક વાતાવરણમાં પલટો આવીને ગાજવીજ અને પવન સાથે વરસાદી માવઠું વરસી પડ્યું હતું. પીજીવીસીએલ તંત્ર દ્વારા તમામ ફીડરોની લાઇટો કલાકો સુધી બંધ કરવામાં આવી હતી.

ઉમરાળા : ગાજવીજ અને સુસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદ વરસતા વીજળી પુરવઠો બંધ થયો હતો. ખેતરમાં તૈયાર પાક ઊભા છે, જેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

વિસાવદર : ગાજવીજ સાથે વરસાદ વરસતા કેરી સહિતના પાકને ભારે નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે તેમજ ભારે પવનને કારણે મસાલા માર્કેટમાં પણ નુકશાન થયું હતું.

રાજુલા : ગાજવીજ અને ભારે પવન સાથે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. બાજરો, ઘઉં, જુવાર, બાજરી જેવા શિયાળુ પાકને નુકસાની થઈ છે.

જેતલસર : જેતલસર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ખેતરમાં કાપીને તૈયાર રાખેલો અને માર્કેટ યાર્ડમાં લઈ જવાની તૈયારીમાં રહેલો માલ પલળી જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ફલ્લા : ફલ્લા તથા નજીકના ગામોમાં વાવઝોડાના કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન થયું છે.

ઢાંક : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેતીપાકને નુકસાન પહોંચ્યું છે. જેથી વહેલી તકે સહાય ચુકવવા માગણી કરવામાં આવી છે.

વિંછીયા : તોફાની પવન સાથે ભર ઉનાળે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો.

જેતપુર : બપોરના એકાએક કાળા ડીબાંગ વાદળો ઘેરાઇ આવ્યા અને ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો અને થોડીવારમાં વરસાદ પણ વરસ્યો હતો. જેમાં શહેરમાં ત્રણ જગ્યાએ વૃક્ષો અને એક વિજપોલ ધરાશયી થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

બગસરા : બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જે બાદ પવન અને કરા સાથે સતત બીજા દિવસે 45 મિમિ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને શહેરના જેતપુર રોડ ઉપર વૃક્ષો પણ ધારાશાયી થયાં હતા.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. શહેરમાં ભારે પવનથી અનેક સ્થળોએ વૃક્ષો પડ્યા હતા.

જુનાગઢ : ગઇકાલથી સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ આજે બપોર પછી એકાએક આકાશમાં વરસાદી વાતાવરણ છવાતા ગાજવીજ અને તોફાની પવન વચ્ચે ભેસાણમાં દોઢ તેમજ જૂનાગઢ અને વંથલીમાં અડધો-અડધો ઇંચ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  શહેર અને જિલ્લામાં તોફાની પવન શરૂ થતા હોર્ડિંગ,પતરા ઉડયા હતા. બજારોમાં પૂરની માફક પાણી વહેવા લાગ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવનને કારણે કેસર કેરીના પાકને તેમજ રવિ પાકને નુકસાન થયાનું જાણવા મળ્યું છે. 

ચોટીલા : ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને મિનિ વાવાઝોડા જેવા ફૂંકાયેલા જોરદાર પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટકતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ફાળ પડી છે. વરસાદની સાથે આવેલા જોરદાર પવનને કારણે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સાવચેતી માટે તા. 20મીએ ચોટીલા માર્કાટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોટડાસાંગાણી : ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કુદરતી પ્રકોપના કારણે અનેક સ્થળોએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. વીજ લાઈનોના વાયરો તૂટી પડવાને કારણે સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.

મોરબી : ભારે પવન સાથે વરસાદ પડતા થોડીવાર ભયનું વાતાવરણ ઉભું થતા લોકો ચિંતિત બન્યા હતા. વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે તેમજ સિરામિક ઉદ્યોગ વિસ્તાર અને હાઇવે પર બેનર, હૉડીંગ પડવાના બનાવ બન્યા હતા. સુરજબાગમા એક વૃક્ષ રોડ પર કાર ઉપર પડતા નુકસાન થયું હતું. સદનસીબે કારમાં કોઈને ઈજા થઈ નથી. ઉમા વિલેજ સોસાયટીમાં વિજપોલ ઘાસના ઢગલા પર પડતા આગ ફાટી નિકળી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી આવી આગને કાબુમાં લઈ લેતા વધુ નુકસાન થતા અટકયું હતું. આલાપ પાર્કમાં કથા મંડપ ઉડી ગયો હતો તેમજ રાજપર રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં લગ્નનો મંડપ પડી ગયો હતો. મનપા કમિશનર સોનીએ જણાવ્યુ હતુ શહેરમાં પાંચથી છ જગ્યાએ વૃક્ષ અને ત્રણેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. માળિયા પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો જેને પગલે મીઠાના અગરોમાં નુકસાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

મોટી પાનેલી : ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડયો છે.

પાલીતાણા : શહેરમાં આજે ભરઉનાળે સાંજના છ વાગે જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. વરસાદ પડતાની સાથે શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પવન ફૂંકાતા તળેટી વિસ્તારમાં મન શાંતિ ભવન પાસે વિશાળ વૃક્ષની મોટી જાડી ડાળી એક પરપ્રાંતીય મજૂર ઉપર પડતાં આધેડનું મૃત્યુ થયું છે.

બોટાદ : જિલ્લામાં અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પવન સાથે આવેલા વાવાઝોડા અને વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. ખાસ કરીને ખેડૂતોના તૈયાર પાકને મોટો ફટકો લાગ્યો છે. વાવાઝોડાની ગતિ એટલી તેજ હતી કે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા, જ્યારે ઘરો અને દુકાનોના ટીનના પતરા ઉડી ગયા હતા.

 બોક્સ: જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રાસિંહ રાયજાદાએ આ કુદરતી આફતને લઈને સરકારને તાત્કાલિક વળતર આપવાની માંગ કરી છે

બાબરા : મીની વાવાઝોડા સાથે ધૂળની ડમરી ઉડી હતી. જુના તળાવ મેલડી માતા મંદિર ખાતે 24 કલાકના માતાજીના મંડપ સમીયાણામાં તેમજ વલારડી ગામે શિવકથા શમિયાણા અને બાબરા ખાતે વાસાવડ રોડ સ્થિત ચાલતી ભાગવત સપ્તાહના સમીયાણામાં ભારે નુકશાન થયું છે. જયારે શહેરમાં ચાલતા ઈટ ઉત્પાદન યુનિટોના કાચા માલ સામાન સહિત તૈયાર થયેલી ઈંટોમાં નુકશાન થયું છે. તાલુકામાં ચાલતા પવનચક્કીના અંદાજીત 150થી વધુ યુનિટો તેજ પવનના કારણે ફરતા રોકી દેવામાં આવ્યા હતો.

સુરત : સાંજે ભારે પવન ફૂંકાતા ઠેક ઠેકાણે શેડ પડી જવાની તેમજ વૃક્ષ પડી જવાની ઘટના બની છે.

તળાજા : સાંજ ઢળ્યાની સાથે જ શહેર અને સમગ્ર તાલુકામા માવઠા- વાવાઝોડાની અસર શરૂ થઈ હતી.  વિજતંત્રને ભારે પવનને લઈ વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે પવનના કારણે કાચી કેરી(ખાખટી)મોટા પ્રમાણમાં ખરી હોય ઇજારેદારોને નુકસાન છે તો બીજી તરફ બજારમાં મોટા પ્રમાણમાં ખાખટી સસ્તી જોવા મળશે.

રાજુલા : અનેક વિસ્તારોમાં 30 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવાનો ચાલુ થયો હતો અને ત્યાર બાદ જૉરદાર મોટા મોટા છાંટા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. શાંત બપોર અચાનક ડરામણી સાંજમાં ફેરવાઈ હતી.

 

. .  . ....

કયા કેટલો વરસાદ ?

શહેર      વરસાદ (ઇંચમાં)

બગસરા              1.61

ચોટીલા              1.54

રાજકોટ              1.5

ભેસાણ               1.5

ઉપલેટા              0.79

ધોરાજી               0.79

ઓખામંડલ         0.79

સાવરકુંડલા          0.75

ચુડા                   0.63

લોધિકા               0.63

લાલપુર              0.63

વિસાવદર                        0.59

વડિયા                0.59

ધારી                  0.59

ખાંભા                0.55

ભાવનગર                        0.55

બોટાદ                0.51

 

ઇ-પેપરના નવા શુલ્ક