• બુધવાર, 11 માર્ચ, 2026

કોવિડ રસીની આડઅસર : સરકાર નુકસાન વળતર ચૂકવે : સુપ્રીમ

સુપ્રીમનો ચુકાદો : વેક્સિનની ગંભીર આડઅસરમાં કોઇનો વાંક ન હોય તો પણ વળતરની નીતિ બનાવો

નવી દિલ્હી, તા. 10 : સરકાર કોવિડ વૅક્સિનેશનની આડઅસરોના પીડિતો કે મૃતકોના પરિવારોને વળતર આપે એવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. કોવિડ વૅક્સિનેશન સંબંધી અગાઉની અરજીઓ ઉપર સર્વોચ્ચ અદાલતે આ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું કે, સરકાર આ માટે નો-ફૉલ્ટ કમ્પનસેશન પૉલિસી તૈયાર કરે. આનો અર્થ એ થાય કે કોઇ વ્યક્તિને દવા કે વૅક્સિનથી નુકસાન થયું હોય એમાં કોઇની ભૂલ સાબિત ન થઇ હોય તો પણ આવી વ્યક્તિને વળતર મળી શકે છે.

સુપ્રીમ કોર્ટના જજ વિક્રમ નાથ અને જજ સંદીપ મહેતાની ખંડપીઠે એમ પણ જણાવ્યું કે, વૅક્સિનેશનની સાઇડ ઇફેક્ટ્સ (આડઅસરો)ની હાલની મોનિટરિંગ સિસ્ટમ પણ ચાલુ જ રહેશે. એના માટે અલગથી કોઇ પૅનલ બનાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે રચના ગંગુ અને વેણુગોપાલન ગોવિંદનની વર્ષ 2021માં કરાયેલી અરજીના ચુકાદામાં આ આદેશ કર્યો છે. બન્ને અરજીમાં આરોપ કરાયો હતો કે એમની પુત્રીનું મોત કોવિડ વૅક્સિનની સાઇડ ઇફેક્ટના કારણે થયું હતું.

નવેમ્બર 2025માં આ મામલે આદેશ સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો હતો : ગયા વર્ષે 13 નવેમ્બરના આ અરજીઓ ઉપર લાંબી દલીલો થઇ હતી. ત્યારે જજ વિક્રમ નાથે આદેશ સુરક્ષિત રાખતાં કહ્યું હતું કે, આ અરજીઓની સાથે અન્ય અરજીઓનો પણ નિર્ણય આવશે. અમે દરેક વાતની વિગતે તપાસ કરીશું અને નવી પૅનલ ગઠિત કરવાની જરૂર છે કે કેમ એની પણ વિચારણા થશે.

આ પહેલાં કેરળ હાઇ કોર્ટે સઇદા કે.એ.ની અરજી ઉપર વળતરની નીતિ તૈયાર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો જેની સામે સરકારે અરજી કરેલી હતી. 2022માં સરકારે કહ્યું હતું કે, આ કેસમાં વળતર આપવું સરકારની જવાબદારી નથી, કેમ કે આડઅસર થઇ શકે એ જાણ છતાં નાગરિકો વૅક્સિન પોતાની મરજીથી લે છે.

મે 2024માં વૅક્સિનથી મૃત્યુના બે દાવા સામે આવ્યા : અરજી કર્તા વેણુગોપાલન ગોવિંદમનો દાવો હતો કે એમની પુત્રી કરુણ્યાએ જુલાઇ 2021માં કૉવિશિલ્ડ વૅક્સિન લીધા બાદ મહિનામાં મૃત્યુ થયું હતું. અરજીમાં જણાવાયું હતું કે, સીરમ ઇન્સ્ટિટયુટે બ્રિટનની ઍસ્ટ્રાજેનેકા ફાર્મા કંપની સાથે મળીને આ વૅક્સિન બનાવેલી છે અને ઍસ્ટ્રાજેનેકાએ બ્રિટિશ હાઇ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે એમની કોવિડ-19 વૅક્સિનથી ખતરનાક આડઅસર થઇ શકે છે. કરુણ્યાનાં મૃત્યુના મામલે પરિવારની ફરિયાદ બાદ સરકારે રાષ્ટ્રીય સમિતિ બનાવી હતી અને સમિતિએ તારણ આપ્યું હતું કે, કરુણ્યાનું મૃત્યુ વૅક્સિનના કારણે થયું છે. જોકે, એના પૂરતા પૂરાવા નથી એમ પણ સમિતિએ કહ્યું હતું.

આવા બીજા કેસમાં દીકરી રિતિકાનું મે 2021માં મૃત્યુ થયું હતું. પરિવારના દાવા પ્રમાણે રિતિકાને મે 2021માં કૉવિશિલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને સાત દિવસમાં સખત તાવ અને ઊલટીઓની ફરિયાદ હતી. એમઆઇઆરમાં સામે આવ્યું કે રિતિકાના મગજમાં બ્લડ ક્લોટિંગ થયું હતું અને બાદમાં એને બ્રેઇન હેમરેજ થયું હતું. બે અઠવાડિયાંમાં રિતિકાનું મૃત્યુ થયું હતું.

પરિવારે પુત્રીનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે 2021માં માહિતી અધિકાર કાનૂન અંતર્ગત અરજી કરી હતી, એમાં જાણકારી મળી હતી કે, રિતિકાને થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ થયો હતો, એની સારવારથી વૅક્સિન ઉત્પાદન સંબંધી પ્રતિક્રિયા (રિએક્શન)ના કારણે રિતિકાનું મૃત્યુ થયું હતું.

આઇસીએમઆર દ્વારા વૅક્સિન સંબંધી અભ્યાસનાં તારણ શું છે?

દેશભરમાં કોવિડ વૅક્સિન મિશન ચલાવાયા બાદ કેટલાક લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થવા સાથે વૅક્સિનેશનને જોડવામાં આવ્યું હતું. ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલે જુલાઇ 2025માં આ સંબંધે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અભ્યાસમાં જણાવાયું હતું કે, હાર્ટ અટેકથી થતાં અચાનક મૃત્યુને કોવિડ વૅક્સિન સાથે કોઇ સીધો સંબંધ નથી. આ અભ્યાસ 18થી 45 વર્ષની વયના લોકોનાં અચાનક મૃત્યુ સંબંધી કેસો ઉપર આધારિત હતો. આરોગ્ય મંત્રાલયે સ્ટડીમાં કહ્યું હતું કે, ભારતની કોવિડ વૅક્સિન સુરક્ષિત અને અસરકારક છે. એની ગંભીર આડઅસરો જવલ્લે જ થાય છે. અચાનક થતાં મૃત્યુના કારણ અન્ય હોઇ શકે છે. જેમાં જેનેટિક્સ, લાઇફસ્ટાઇલ, અગાઉથી શરીરમાં કોઇ બીમારી હોવી અને કોવિડ બાદ કોઇ અન્ય કૉમ્પ્લિકેશન હોઇ શકે છે. ભારતમાં બે કોવિડ વૅક્સિન વિકસિત કરવામાં આવી હતી. ભારત બાયોટેક દ્વારા આઇસીએમઆરના સહયોગથી કોવિડને કાબૂમાં લેવા કો-વૅક્સિન અને સીરમ ઇન્સ્ટિટયુટ અૉફ ઇન્ડિયાએ બ્રિટિશ ફાર્મા કંપની ઍસ્ટ્રાજેનેકાની ફોર્મ્યુલા પ્રમાણે કૉવિશિલ્ડ કોરોના રસી તૈયાર કરી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026