• બુધવાર, 11 માર્ચ, 2026

જેતપુરમાં ટાબરિયાએ કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું બાળકીએ પેટમાં દુખવાની ફરિયાદ કરતા ભાંડો ફૂટયો

જેતપુર,તા.10: જેતપુર પંથકના એક ગામમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે છ વર્ષની કૌટુંબિક બહેનને રમતના બહાને અગાશી પર લઈ જઈ દુષ્કર્મ આચરવાની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બાળકીને પેટમાં દુખાવો ઉપડતા ધૃણાસ્પદ બનાવ બહાર આવ્યો હતો.

જેતપુરના એક વિસ્તારમાં હજુ વીસેક દિવસ પૂર્વે જ એક બાળકી સાથે પાડોશી નારાધમે દુષ્કર્મ આચર્યાનો ગુન્હો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેની શાહી હજુ સુકાય નથી ત્યાં આજે જેતપુર પંથકના એક ગામમાં નવમાં ધોરણમાં ભણતા કિશોરે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તાલુકા પીઆઇ અજીતાસિંહ હેરમાએ માહિતી આપતા જણાવેલુ કે, ભોગ બનનાર બાળકીના દાદાનું ઘર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું ઘર બંને બાજુબાજુમાં જ છે અને ભોગ બનનાર બાળકી અને કિશોર બંને કૌટુંબિક ભાઈ બહેન પણ થાય છે. જેથી કિશોરે બાળકીને ચોર પોલીસ રમવાનું કહી અગાશી પર લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ પંદર દિવસ પૂર્વે બન્યો હતો પરંતુ બાળકી બે દિવસથી જમતી ન હતી ઘરમાં સુનમુન રહેતી હતી અને પેટમાં દુખવાની ફરીયાદ કરતી હતી. જેથી આજે બાળકીના પરીવારજનો સારવાર માટે સરકારી હોસ્પીટલ લાવતા ત્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલતા બાળકીના પરીવારજનો પર આભ ફાટી પડયું હતું. નાની ફૂલ જેવી જેને હજુ પૂરું બોલતા પણ આવડતું નથી તેની સાથે આવું હીન કૃત્ય થતા પરીવારજનોએ તરત જ પોલીસને જાણ કરી કિશોર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક