(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.10: મોરબીના સિરામિકના વેપારીને રાજકોટમાં ક્રેડિટ સોસાયટીનું સંચાલન કરતો હોવાનો
દાવો કરનાર શખસે લોન આપવાના બહાને રૂ. 70 લાખ પડાવી લીધા બાદ પરત નહીં કરતા પોલીસ ફરિયાદ
કરાઈ છે. વેપારીને તેના ભાગીદારે જ રાજકોટના શખસ સાથે ઓળખ કરાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
કરાયો છે. વેપારીની માનસિક સ્થિતિ હાલ સારી ના હોવાથી અને અમદાવાદમાં રહેતા હોવાથી
તેમના પત્નીએ અમદાવાદ ડીસીબી પોલીસ મથકે આ બાબતે ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ કમલેશભાઈ સંઘાણી 2015થી મોરબી ખાતે સિરામિક ટ્રાડિંગનો વ્યવસાય કરે છે.
તેઓ મોરબી ખાતે આવેલી ટાઈલ્સ ઉત્પાદન કંપનીઓને કાચો માલ પૂરો પાડે છે. 2021માં મોરબીના
અબ્દુલ રશીદ સૈયદ સાથે તેમનો સંપર્ક થયો હતો. કમલેશભાઈ અબ્દુલ સૈયદ સાથે ભાગીદારીમાં
એ.કે. ફર્નાશિંગ નામની કંપનીથી ટાઈલ્સ એક્સપોર્ટ ધંધો શરૂ કર્યો હતો. સમય જતા ધંધા
માટે કમલેશભાઈને નાણાંની જરૂર પડી હતી. અબ્દુલ સૈયદે ત્યારે રાજકોટમાં રહેતા સુનિલગીરી
ગોસ્વામીને સાથે ઓળખાણ કરાવી હતી. સુનિલગીરીએ પોતે ક્રિષ્ના કો. ઓ. ક્રેડિટ સોસાયટી
ધરાવતા હોવાનું કહીને લોન થઈ જશે તેવો વાયદો આપ્યો હતો. બાદમાં સુનિલગીરી કમલેશભાઈના
અમદાવાદ ઈસનપુર સ્થિત ઘરે પણ આવ્યા હતા. કમલેશભાઈએ ધંધા માટે પાંચ કરોડની લોનની જરૂર
હોવાનું કહ્યું હતું. આ સમયે કમલેશભાઈના પત્ની નીશાબહેન પણ હાજર હતા.
થોડા
દિવસ બાદ સુનિલગીરીએ કમલેશભાઈને જણાવેલુ કે તમારી લોન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મંડળીના
સભાસદ થવા તથા ઈન્સ્યોરન્સ પ્રોસેસ માટે થોડાઘણા નાણા ભરવા પડશે. કમલેશભાઈએ 19.5.2021થી
30.5.2025 સુધીમાં રૂ. 31 લાખ વિવિધ બેન્ક ખાતામાં મોકલ્યા હતા જ્યારે રૂ.42 લાખ રોકડા
આપતા સુનિલગીરીને કુલ રૂ. 73 લાખ ચૂકવ્યા હતા. બાદમાં સુનિલગીરીએ ફોન ઉપાડવાનું બંધ
કરી દીધું હતું અને લોન પણ નહીં કરતા હોવાથી કમલેશભાઈ ચિંતામાં મૂકાયા હતા. એક દિવસ
કમલેશભાઈનો ફોન ઉપાડીને સુનિલગેરીએ જણાવ્યું કે, હું રાજકોટમાં કોઈ ક્રેડિટ મંડળી ધરાવતો
નથી. તમે આપેલા રૂપિયા મે મારા અંગત ખર્ચમાં વાપરી નાંખ્યા છે અને મારી પાસે હવે પૈસા
નથી. સુનિલગીરીએ તેની પત્ની સંગીતાબહેન, અબ્દુલ સૈયદ અને અન્ય આરોપી શ્યામ ચૌહાણ સાથે
મળીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત હાલમાં માનસિક રીતે સ્વસ્થ નહીં
હોવાથી તેમના પત્ની નિશાબહેને આ બાબતે ફરિયાદ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ
કરી છે.