• બુધવાર, 11 માર્ચ, 2026

ગેસ કટોકટી : ગુજરાતના ઉદ્યોગો માટે સપ્લાયમાં 50% કાપ

‘નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) ઓર્ડર, 2026’ અમલી : ગુજરાતમાં ડેરી અને ખાતર ઉત્પાદનમાં વપરાતા ગેસ પુરવઠામાં 40 ટકા કાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.10 : ઈઝરાઈલ-અમેરિકાના ઈરાન સાથેના યુધ્ધને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત ઉપર પણ માઠી અસર પડી છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડતા ભારત સરકારે તાત્કાલિક અસરથી ’નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) ઓર્ડર, 2026’ અમલી બનાવ્યો છે. આદેશને પગલે રાજ્યના ઔદ્યોગિક અને સહકારી ક્ષેત્રમાં ’ગેસ રેશાનિંગ’ શરૂ કરીને રાજ્યના ઉદ્યોગો, ડેરીઓ અને ખાતરના એકમો માટે ગેસના વપરાશમાં ધરખમ કાપની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના રેશાનિંગ પ્લાન મુજબ સામાન્ય નાગરિકોને અસર કરતા ઘરેલું પાઇપ્ડ ગેસ (PNG) અને વાહન વ્યવહાર માટેના સીએનજી પુરવઠાને સુરક્ષિત રાખવા માટે ઔદ્યોગિક વપરાશ પર  કાતર ફેરવવામાં આવી છે. ઔદ્યોગિક વપરાશના ગેસ ઉપર 50 ટકા જેટલો તાતિંગ કાપ લાદવામાં આવ્યો છે. કાપ આવતા મોરબીના સિરામિક પ્લાન્ટ્સ, દક્ષિણ ગુજરાતના કેમિકલ અને ટેક્સટાઇલ પ્રોસાસિંગ હાઉસ સહિતના એકમોના ઉત્પાદન ચક્રને બ્રેક લાગી શકે તેમ છે. માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ રાજ્યની જીવાદોરી સમાન સહકારી ડેરી ઉદ્યોગ અને ખેતી માટે અનિવાર્ય એવા ખાતરના ઉત્પાદન એકમોમાં પણ 40 ટકા જેટલો કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેની સીધી અસર હવે, દૂધની બનાવટો અને ખાતરના ભાવ અને તેની ઉપલબ્ધતા ઉપર પણ પડવાની ભીતિ છે.

પરિપત્ર ‘આવશ્યક વસ્તુ અધિનિયમ’ હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. જેની કલમ-13 મુજબ આ ઓર્ડર કંપનીઓના અગાઉના તમામ વ્યાપારી કરારો (GSAs) કરતા સર્વોપરી ગણાશે. આ સ્થિતિમાં ઉદ્યોગો કાયદાકીય રક્ષણ પણ મેળવી શકે તેમ નથી. આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો નિકાસના ઓર્ડર્સ અને લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે. ઉદ્યોગોએ હવે વિકલ્પ તરીકે મોંઘા પ્રોપેન ગેસ તરફ વળવું પડી શકે છે. જેના પગલે સરકાર પાસે પ્રોપેન પરના વેટ (VAT) માં ઘટાડો કરવાની અને વીજળીના દરોમાં રાહત આપવાની માંગણી તેજ બની શકે છે. હાલમાં સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મીટ માંડીને બેઠું છે.

----

ઘરેલુ ગેસનો પુરવઠો સરકારની પ્રાથમિકતા

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સરકારની  પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. એ માટે ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મૂકાયો નથી

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026