• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

સરકારો મફતની રેવડી નહીં, રોજગાર આપે

મફતનાં વચનોની લહાણીથી નારાજ સુપ્રીમ કોર્ટ : ખાવાનું, ગેસ, વીજળી, મફતમાં આપશો તો લોકો કામ જ શા માટે કરશે, શું આપણે આવો દેશ બનાવવો છે?

 

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે મફતના વચનોની લહાણી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સરકારે રેવડીનાં સ્થાને રોજગાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

મફતનાં વચનોની લહાણી કરનાર રાજ્ય સરકારોને ફટકાર લગાવતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સરકાર લોકોને સવારથી સાંજ સુધી મફત ખાવાનું ગેસ અને વીજળી આપતી રહેશે, તો લોકો કામ શા માટે કરશે.

આમ થવાથી તો કામ કરવાની લોકોની આદત જ ખતમ થઈ જશે, તેવી ટકોર મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કરી હતી.

સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, જેઓ જરૂરતમંદ છે, તેવા ગરીબ વર્ગની મદદ કરવી એ સમજાય છે, પરંતુ કોઈ પણ ફરક કર્યા?વિના સૌ કોઈને મફત સુવિધાઓ આપવી એ યોગ્ય નથી.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે જણાવ્યું હતું કે, વધુ પડતાં રાજ્યોના ખજાના ખોટમાં છે તેમ છતાં વિકાસની અવગણના કરીને ‘મફત’ની ઘોષણાઓ કરી રહ્યા છે.

દેશની યુવાપેઢી જાત મહેનતથી કમાણી કરીને પોતાની આબરૂ અને આત્મસન્માન સાથે જીવી શકે, તે માટે સરકારોએ રેવડી નહીં, પરંતુ રોજગાર આપવાની દિશામાં કામ કરવા જોઈએ, તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

બધું જ મફતમાં મળી જશે તો લોકો કામ જ શા માટે કરશે, શું આપણે આવો દેશ બનાવવા માગીએ છીએ, તેવા સવાલો સૂર્યકાંતે ઊઠાવ્યા હતા.

અચાનક ચૂંટણીની આસપાસ ‘મફત’ યોજનાઓ શા માટે લોન્ચ  કરાય છે. હવે સમય આવી ગયો છે કે, બધા જ નેતાઓ, રાજકીય પક્ષો આ મામલા પર ફરીથી વિચારે.

જો આપણે આવી રીતે જ ઉદારતા બતાવવા રહીએ છીએ, તો દેશના વિકાસમાં વિઘ્નો ઊભા કરીશું એક સમતુલન હોવું જોઈએ. આવું ક્યાં સુધી ચાલશે. તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ નારાજગીભેર કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યો હતો કે, વીજબિલ ચૂકવી નથી શકતા તેવા નબળા લોકો અને જે સદ્ધર છે, તેવા લોકો વચ્ચે ફરક કર્યા વિના સૌને મફત આપવું એ શું તુષ્ટિકરણની નીતિ છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટ તમિલનાડુ વિદ્યુત વિતરણ નિગમ વિરુદ્ધ ભારત સરકારના કેસની સુનાવણી કરી હતી. અદાલતે આ દરમિયાન ઉપભોક્તાની આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપ્યા વિના દરેકને મફત વીજળી આપવાના વચન મુદ્દે ફટકાર લગાડી હતી.

અદાલતે કહ્યું હતું કે મફતની સુવિધાઓ આપવાથી દેશના આર્થિક વિકાસમાં બાધા ઉત્પન્ન થાય છે અને રાજ્યોએ તમામમે મફત ભોજન, સાઇકલ અને વીજળી આપવાને બદલે રોજગારના અવસર ખોલવા માટે કામ કરવું જોઈએ. સીજેઆઇએ સુનાવણી સમયે કહ્યું હતું કે જે ખર્ચ  વહન કરી શકે છે અને જે નથી કરી શકતા તેઓમાં ભેદ કર્યા વિના જ વિતરણ શરૂ કરવામાં આવે છે તો શું આ તુષ્ટિકરણની રાજનીતિ નથી ? પીઠે સવાલ કર્યો હતો કે સવારથી સાંજ મફત ભોજન આપવામાં આવશે, પછી મફત સાઇકલ આપવામાં આવશે અને મફત વીજળી અપાશે તો કામ કોણ કરશે અને પછી કાર્ય સંસ્કૃતિનું શું થશે ?

 

ઇ-પેપરના નવા શુલ્ક