(ફૂલછાબ ન્યૂઝ)
બોટાદ, તા.13: બોટાદ શહેરમાં
નામાંકિત બિલ્ડર દિલાવર મદદઅલી હમીદ સામે તેમના સગા કાકાએ ખંડણી અને જાનથી મારી નાખવાની
ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચા જગાવી છે. કન્સ્ટ્રક્શન અને રીયલ એસ્ટેટ
વ્યવસાય સાથે જોડાયેલા પરિવારજનો વચ્ચેના નાણાકીય વિવાદે ગુનાહિત સ્વરૂપ ધારણ કર્યાનો
આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુ મળતી વિગતો અનુસાર ફરિયાદી
મનસુરઅલી પ્યારઅલી હમીદ (ઉં.વ.65 અંદાજે), રહે. યુવાન એપાર્ટમેન્ટ, પાળિયાદ રોડ દ્વારા
પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દિલાવર મદદઅલી હમીદ તેમના સગા ભત્રીજા થાય
છે અને જાણીતા બિલ્ડર છે. વર્ષ 2020માં ફરિયાદીને હાર્ટ એટેક આવતા બોટાદ, જસદણ અને
તાજપર વિસ્તારમાં આવેલી જમીન-િમલકતનો વહીવટ તથા ડેવલપમેન્ટ કરવા માટે દિલાવરને પાવર
ઓફ એટર્ની આપવામાં આવી હતી. નફામાંથી 20 ટકા હિસ્સો આપવાની શરતે ચાર કરોડ રૂપિયા ટુકડે
ટુકડે આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, આરોપીએ આપવામાં આવેલી રકમનો યોગ્ય
હિસાબ આપ્યો ન હતો અને બાદમાં વધુ નાણાં માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આજે વહેલી
સવારે લગભગ 3 વાગ્યે આરોપી દારૂના નશામાં રિવોલ્વર સાથે ફરિયાદીના ઘરે આવી 7 કરોડ રૂપિયાની
ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હંગામો થતા પાડોશીઓ જાગી ગયા હતા.
અને 112 પર કોલ કરતા પોલીસ પહોંચતા આરોપી સ્થળ પરથી ફરાર થયો હતો. પોલીસે ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે. એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કરવામાં આવ્યા છે.