• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

અમદાવાદમાં હત્યાના બે બનાવ યુવકે વાગદત્તાનું મોઢું છૂંદી નાંખ્યું,

વટવામાં છરીના ઘા મારી યુવકને ઢાળી દીધો

મણિનગરમાં સગાઈ તૂટતાં સગીરાને વાત કરવાનું કહીને સાથે લઈ ગયો અને  ધારદાર અણીવાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું

અમદાવાદ, તા.12: અમદાવાદમાં બુધવારે મોડીરાત્રે હત્યાના બે બનાવોથી અરેરાટી વ્યાપી ગઈ હતી. મણિનગરમાં થનારી વાગદત્તાનું માથું છૂંદીને હત્યા નિપજાવવામાં આવી હતી. જ્યારે વટવામાં યુવકને છરીના ઘા મારીને ઢાળી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું.

અમદાવાદના કાંકરિયા વિસ્તારના ગેટ નંબર 7 નજીક ઝુલેલાલ પાર્કિંગમાં સગીરાની હત્યા કરવામાં આવી છે. સગાઈની ના પાડવાના મુદ્દે યુવકે ઝઘડો કરીને કોટા સ્ટોનનો પથ્થર મારીને મોઢું છૂંદીને ભાવિ વાગદત્તાની હત્યાને અંજામ આપ્યો છે. ગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની મોહમ્મદ આવેઝ પઠાણ નામના શખ્સ સાથે સગાઈ નક્કી થઈ હતી. 11 ફેબ્રુઆરીએ રાત્રે તે સગીરાને કાંકરિયા ગેટ નંબર સાત પાસેના પાર્કિંગમાં લઈ ગયો હતો. આવેઝ તેની ભાવિ પત્ની પર શંકા રાખતો હોય અને અગાઉ મારઝૂડ તથા ગાળો આપી હોવાથી સગીરાએ સગાઈ નહીં કરવાનું તેના માતા-પિતાને કહ્યું હતું. આ બાબતનો ખાર રાખીને પાર્કિંગ પ્લોટમાં લઈ જઈ યુવકે તીક્ષ્ણ અણીવાળો કોટા પથ્થર સગીરાના લમણે મારીને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. કોઈ ઓળખી ના શકે તેટલી હદે મોઢું છૂંદી નાંખ્યું હતું. હત્યા બાદ તેણે થનારા સસરા અને મૃતકની ભાભીને ફોન કરીને આ બાબતે જાણ કરી અને મણિનગર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. સગીરાના પિતા મોહમ્મદ નાસીર સૈયદે મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે વટવા વિસ્તારમાં રહેતા મોહમ્મદ સમીર અંસારીએ પોલીસ સ્ટેશનમાં આસીફ શેખ વિરુદ્ધ તેના ભાઈ શકીલની હત્યાની ફરિયાદ નોંધાવી છે. સમીરના બે ભાઈ પૈકી શકીલને શ્યામાપ્રસાદ મુખરજીનગર ચાર માળીયામાં રહેતા સદ્દામ નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. સદ્દામનો બનેવી આસીફ પણ ત્યાં જ રહેતો હોય તેણે ગતરાત્રે બહાર ઊંઘી રહેલા શકીલને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જણાયું હતું. પોલીસે આ મામલે આસીફ શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળીની કાર્યવાહી શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક