મ્યુનિસિપલ
કોર્પોરેશનના તંત્ર પર કોઈનું નિયંત્રણ નહીં !
સરકાર
પણ સુવિધા આપે ત્યારે તાળીઓ પડાવે, અકસ્માત થાય ત્યારે સહાય આપીને છૂટી જાય
સિટિબસને
લીધે સતત થતા અકસ્માત છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં ઢીલ
આ કિસ્સામાં
હિટ એન્ડ રનના આરોપી કોણ ? મહાપાલિકા અને પોલીસ ?
કોની
શરમ ? કોનો ડર ? કોનું દબાણ ? પ્રજા જીવવા માટે ટેક્સ ભરે છે કે રસ્તા વચ્ચે મરવા માટે
?
સિટીબસના
કોન્ટ્રાક્ટરે તથ્ય પટેલની ફોજ ભરતી કરી છે !
ગુજરાતભરમાં
આકસ્મિક મૃત્યુની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા ‘અકસ્માત આખરે અકસ્માત છે’
તેવા બનાવ નથી. તંત્ર જો શરમ છોડે, સેવા આપનાર જો પ્રતિબદ્ધતા દાખવે તો નિવારી શકાય
તેવી દુર્ઘટનાઓ છે આ બધી. પરંતુ કોઈને કંઈ પડી નથી. પ્રચાર, પ્રસાર, રાજકારણ અને અંગત
હિતોમાં સૌ કોઈ રાચી રહ્યા છે. રાજકોટના લોકોને તો અત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે
તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુખેથી જીવવા માટે ટેક્સ આપે છે? કે પછી આગ-અકસ્માતમાં
કોઈ પણ સમયે મરી જવા માટેની ફી ટેક્સ રુપે ચૂકવે છે? આજે સવારે શહેરના 150 ફૂટ રીંગરોડ
ઉપર ઈન્દિરા સર્કલ પાસે બનેલી દુર્ઘટના આવા સંશયનું વધુ એક ઉદાહરણ છે.
હાઈ-વે
ઉપર કોઈ વાહનની ગતિ વધારે હોય, હાઈ-વે ઉપર જતા વાહનો ટકરાય, અકસ્માત થાય તો જરાક પણ
એવું સમજી શકાય કે ત્યાં આવી શક્યતા હોય પરંતુ જે જે લોકો રાજકોટની ભૂગોળથી પરિચિત
છે તેઓ તરત જ કહી શકે કે ઈન્દિરા સર્કલ પાસે તો રાત્રે દસ વાગ્યે પણ ઝડપથી વાહન ચાલી
શકે નહીં. ત્યાં આ મહાનગરપાલિકાએ આપેલા કોન્ટ્રાક્ટ વાળી બસના શૂરવીર ચાલક સવારે દસ-
સવા દસ વાગ્યના અરસામાં યુદ્ધના મેદાનમાં ટેન્ક ચલાવતા હોય તેવી ‘શાનદાર’ રીતે બસ ચલાવી
ગયા. બાજુમાં કેટલાક લોકો ઊભા હતા તેમની સામે જોવાની પણ તેમણે દરકાર કરી નહીં. અકસ્માત
પછી જે વીડિયો વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ છે કે બસ એમ જ દોડી જાય છે. બ્રેક મારવાની
કોશિશ થઈ નથી.
ચાર
વ્યક્તિના મૃત્યુ થયાં. કેટલાક ઘાયલ થયા અને તેમ છતાં 52 વર્ષની સુદીર્ઘ સેવા ધરાવતા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને કોઈ પ્રકારની શરમ નથી. તેના અધિકારી એમ કહે
છે કે ‘બ્રેક ફેઈલ થઇ ગઇ’ અરે એન્જિનીયરશ્રી, ફેઈલ બ્રેક નથી, ફેઈલ તમારું તંત્ર છે,
ફેઈલ તમારી ધાક છે, ફેઈલ લોકોના મત લઈને પણ તેમની જિંદગીનું રક્ષણ ન કરી શકનાર પદાધિકારીઓ
છે. ફેઈલ આખી સિસ્ટમ છે અને ફેઈલ છે એ અધિકારીઓ જે લોકો લાયકાત ચકાસ્યા વગર રાજકીય
ઓથ ધરાવતા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે.
આ કિસ્સામાં
સવારથી જે વાતો થઈ તેમાં એવું પણ બહાર આવ્યું છે કે સિટીબસના સ્ટાફ અને સુપરવિઝનનો
કોન્ટ્રાક્ટ જેમને અપાયો હતો કે વિક્રમાસિંહ ડાંગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં.
4ના પદાધિકારી રહી ચૂક્યા છે. શાસક પક્ષના સંબંધિતોને કોન્ટ્રાક્ટ અપાય તે તો નવી વાત
નથી પરંતુ આમ કોઈના જીવ જાય ત્યાર પછી પણ તેમને કોઈ શિક્ષા ન થાય તે યોગ્ય નથી. સિટી
બસના જે જે કોન્ટ્રાક્ટ જે સ્તરે અપાયા હોય તેમાં દંડનાત્મક, શિક્ષાત્મક જોગવાઈ શાસકોએ
કરવી જોઈએ. આવડી મોટી દુર્ઘટના પછી પણ બચાવ
તો ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટરનો થાય છે. પદાધિકારીઓ પણ ડ્રાઈવરની ખબર કાઢવા પહોંચે છે.
(જુઓ પાનું 10)
કદાચ
તેમને કન્ફર્મ કરવું હશે કે ડ્રાઈવર નશામાં તો નહોતો ને! અરે નવી નવી બસો કરોડોના ખર્ચે
ખરીદાય છે. તેની બ્રેક ફેઈલ? કદાચ બસ થોડો સમય જૂની થઈ ગઈ હોય તો તેનું મેઈન્ટેનન્સ
બરાબર થાય છે કે નહીં? ક્યારેય એ જાણવાની કોશિશ થઈ? થઈ હોય તો તે જાહેર થયું? પ્રજાના
ટેક્સના પૈસે ચાલતી બસો કેવી છે? તેની સ્થિતિ શું છે તે જાણવાનો અધિકાર પ્રજાને નથી?
સિટી
બસને લીધે અકસ્માત થયો હોય તેવો આ પ્રથમ બનાવ નથી. એક દુર્ઘટનામાં તો ચાલક પોતે પણ
હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામ્યા હતા અને એક મહિલાનું અવસાન થયું હતું. સિટી બસના ચાલકોનું
મેડિકલ ચેકઅપ ક્યારેય થાય છે? આવી કોઈ બાબત ઉપર મહાનગરપાલિકાના અધિકારીનું નિરીક્ષણ
છે? કોઈ પદાધિકારી એટલે કે મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક નેતા,
દંડક, વિપક્ષના નેતા, વિપક્ષના કોર્પોરેટરે ક્યારેય અધિકારીને પૂછ્યું કે વાહનો અને
ચાલકો બન્નેના સ્વાસ્થ્ય તમે જોવો છો? અમદાવાદમાં તો એક તથ્ય પટેલ છે. સિટી બસના કોન્ટ્રાક્ટરે
તો આવા તથ્યોની જાણે ફોજની ભરતી ડ્રાઈવર તરીકે કરી છે.
જનરલ
બોર્ડમાં કે તે સિવાય ક્યારેય આવા સવાલ થતા નથી. રાજ્ય સરકાર સહાય કરે, હોર્ડિંગ લાગે,
નવી બસની ભેટ.. આવી જાહેરાતો થાય પરંતુ આ નવી ભેટને લીધે નિર્દોષ માણસોને અચાનક મોત
ભેટી જાય ત્યારે શું? પંદર પંદર લાખ રૂપિયાની સહાય, ટીઆરપી અગ્નિકાંડ થઈ જાય, સિટી
બસનો અકસ્માત થઈ જાય, એપાર્ટમેન્ટમાં આગ લાગી જાય, માણસોની જિંદગી જતી રહે ત્યાં સુધી
કોઈને કંઈ નહીં.
રાજકોટનો
રૈયાચોકડી વિસ્તાર, હોસ્પિટલ ચોક, ઈન્દિરા સર્કલ, મવડી ચોકડી આ બધે કરોડો રૂપિયા ખર્ચીને
પુલ બનાવી દીધા પરંતુ ટ્રાફિકની સમસ્યા એમ ની એમ. ફૂટપાથ પર દબાણ, રસ્તાની પહોળાઈ ઓછી
થઈ જાય પરંતુ આ બધી જવાબદારી કોની ?
પોલીસ
તંત્ર પણ અહીં ઓછું જવાબદાર નથી. સામાન્ય માણસનું વાહન ટો કરવામાં આખા દળકટક ઉતરે,
ગાળાગાળી કરીને લોકોના વાહનો ઉપાડી જાય. પરંતુ શહેરના પ્રવેશદ્વાર સમાન ગ્રીનલેન્ડ
ચોકડી, ગોંડલ રોડ ચોકડી, માધાપર ચોકડી જેવા વિસ્તારોમાં ઈકો, છકડો રિક્ષા આખો દિવસ
દબાણ કરીને ઊભા હોય, મિનિ બસ ભરવા માટે તેના માણસો ઊભા હોય. ટ્રાફિક પોલીસ આ તમામ લોકોને
છાવરે. તેમને કંઈ થાય નહીં.
જ્યાં
આ અકસ્માત આજે થયો તે ઈન્દિરા સર્કલ કે કેકેવી ચોક વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા ઘણા
સમયથી છે. વાહનોના ત્યાં થપ્પા હોય. દ્વિચક્રી વાહન હોય તો પોલીસ ટો કરે, સામાન્ય માણસની
કાર હોય તો પોલીસ લોક કરે- કાયદાના પાલન માટે તે જરૂરી છે પરંતુ ત્યાં કોઈ રિક્ષા કે
અન્ય વાહન ઊભું હોય તો તે જાણે પોલીસને દેખાતાં જ નથી. બધા તંત્રોના પસંદગીના મૌન-
સિલેક્ટિવ સાયલન્સને લીધે આખરે સહન સામાન્ય નાગરિકો કરે છે.
તંત્ર
એમ માને કે સહાય ચૂકવી દેવાથી બધું શાંત થશે. રાજકોટ કે આમ તો દેશ આખાની કમનસીબી એ
છે કે અહીં વિપક્ષ પણ તદ્દન નિક્રિય છે. આ જગ્યાએ જો ભાજપ વિપક્ષમાં હોય અને આવો અકસ્માત
થયો હોય તો એક પણ સિટી બસ શહેરના માર્ગ પર નીકળી શકે નહીં પરંતુ આંદોલન તો શું નિવેદન
પણ કોંગ્રેસ માંડ માંડ કરે છે.
પ્રજાએ
પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતે શોધવો પડશે. આજે જે દુર્ઘટના થઈ છે તે સામાન્ય દુર્ઘટના
નથી. આમાં રાજકોટ મહાનગરપાલિકા, સિટી બસના કોન્ટ્રાક્ટર અને જે વ્યક્તિ બસના ચાલક હતા
તે હીટ એન્ડ રનના આરોપી જેટલા જ જવાબદાર છે. પેલા આરોપીઓને અદાલત સજા કરે. આ આરોપીઓનો
ન્યાય તો પ્રજાએ તોળવો પડશે.