ત્રણ મહિના પહેલા લીધેલા છૂટાછેડાનો ખાર
રાખી સાસુ, નણંદ અને પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી
જેતપુર
તા.14: જેતપુર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરતી મહિલા વકીલ તેની ઓફિસમાં બેઠી હતી
ત્યારે તેણીએ ત્રણ મહિના પૂર્વે છૂટાછેડા લઈ લીધા હતા તે યુવકની માતા, બહેનો અને પત્ની
ત્યાં આવી ગાળો કાઢી ઢીકાપાટૂનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સીટી પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
શહેરના
દાસીજીવણ પરા વિસ્તારમાં રહેતી અને જેતપુર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરતી જ્યોતિબેન
મકવાણા નામની મહિલા વકીલે ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે ભૂરો અશોકભાઈ પરમાર
સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્રણ મહિના પૂર્વે છૂટાછેડા પણ લઈ લીધા હતાં. આ વાતનો
ખાર રાખી જ્યોતિબેન ગતરોજ પોતાની ઓફિસે બેઠા હતા, ત્યારે પાછળના દરવાજાથી કરણની બહેનો
રાજલ અને ચેતના અશોકભાઈ પરમાર બંને આવીને તે મારા ભાઈની જીંદગી બરબાદ કરી નાખી છે.
તેમ કહી ગાળો કાઢી ઢીકાપાટૂનો માર મારવા લાગી એટલીવારમાં ઓફિસના મુખ્ય દરવાજાથી કરણની
માતા હંસાબેન અને તેની પત્ની મનીષાબેન પણ ત્યાં આવી અને તમામે એકસંપ કરી ફરીથી માર
માર્યો હતો. આ દરમિયાન ઓફિસની બાજુના માણસો ત્યાં આવીને જ્યોતિબેનને છોડાવતા ચારેય
મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી. મારથી મહિલા વકીલને શરીરમાં દુખાવો થતો હોવાથી 108 ઇમરજન્સી
એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સરકારી હોસ્પિટલ દાખલ થયા અને ચારેય મહિલાઓ સામે
પોલીસ ફરિયાદ નોંધાવી હતી.